- વાઘોડિયા રોડ નેશનલ હાઇવે પાસે આવેલા રૂદ્રાક્ષ એલીગન્સમાં રહેતા અમિતે મૈસુરિયાની સંડોવણી બહાર આવતા ધરપકડ, અમિતે સપ્લાયર-ડાયરેક્ટરોની મુલાકાત કરાવી હતી
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 13 ઓક્ટોબરના રોજ 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. આ ડ્રગ્સનો રેલો વડોદરા સુધી પહોંચ્યો છે. વડોદરાના વાઘોડિયા રોડ ઉપર નેશનલ હાઇવેને અડીને આવેલ રૂદ્રાક્ષ એલીગન્સમાં A-3 ટાવરમાં 101 નંબરના મકાનમાં રહેતો અમિતકુમાર મૈસુરિયાની સંડોવણી બહાર આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ડ્રગ્સ કૌભાંડમાં અમિતકુમાર મૈસુરિયાની ધરપકડ કરવામાં આવતાની સાથે જ તેનો પરિવાર પણ મકાનને બંધ કરીને રવાના થઈ ગયો છે. હાલ આ મામલે સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
મૈસુરિયા ફાર્મા સૌબ્યુશન વડોદરાના નામે પેઢી રજિસ્ટર કરાવનાર વાઘોડિયા રોડ પર રુદ્રાક્ષ એલિગન્સમાં રહેતો અમિત જગદીશભાઈ મૈસુરિયા કંપનીનો સ્થાપક છે. તેને દિલ્હીના સ્પેશિયલ સેલે ઝડપી પાડયો છે. અમિતકુમાર મૈસુરિયાની ધરપકડ કરવામાં આવતા તેમનો પરિવાર મકાન બંધ કરીને અન્યત્ર ચાલ્યો ગયો છે. અમીતકુમાર મેયસુરીયાના મકાન ઉપર મૈયસુરીયા ફામાં સોલ્યુશનનું બોર્ડ લગાવેલું છે, જે તેઓની કંપનીનું કહેવાય છે. તેઓની એક બ્લેક કલરની કાર પણ પાર્કિંગમાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું,
અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતો મયૂર મોતી દેસલે આવકારમાં સુપરવાઇઝર હતો. વડોદરામાં રુદ્રાક્ષ એલીગન્સ ખાતે રહેતો અમિતકુમાર મૈસુરિયા પૂણેની ફાર્મા સોલ્યુશન સર્વિસ કંપનીની મહિલા ડિરેક્ટર સાથે સંપર્કમાં હતો. તે આવકાર ડ્રગ્સ અને ફાર્મા સોલ્યુશન કંપની વચ્ચેની મુખ્ય કડી છે. ફાર્મા સોલ્યુશન કંપની કોકેઇન અને મેથ બનાવવા માટેનું મટિરિયલ અંકલેશ્વર ખાતે મોકલતી હતી. તેની સાથે રો-મટિરિયલની માત્રા કેટલા પ્રમાણમાં અને કેવી રીતે એકત્ર કરવી તેની આખી થિયરીકલ પ્રોસેસ આપતાં તેઓ તે પ્રમાણે પ્રોડક્ટ તૈયાર કરતા હતા. જે તૈયાર થઇ ગયા બાદ પૂર્ણની કંપની તૈયાર થયેલું મટિરિયલ લઇ જતી હતી.
અમિતકુમાર મૈસુરિયા દિલ્હીમાં ડ્રગ સપ્લાય કરનાર અભિલાષા સાથે મળી અંકલેશ્વરની આવકાર ફાર્માના 3 ડાયરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા અને મયુર દેસલે સાથે મુલાકાત કરાવી હતી અને મોટી રકમની ઓફર કરી નશીલા પદાર્થનું ઉત્પાદન કરવા સમજાવ્યા હતા. ઉત્પાદનનું જે બિલ બને તેના 3 ટકા કમિશનની શરત નક્કી કરી હતી. એ મુજબ અમિતને અત્યાર સુધી 36 લાખ મળ્યા હોવાનું પોલીસનું માનવું છે. એ મુજબ લાંબા સમયથી બંધ આવકાર કંપની શરૂ થઈ હતી અને ડ્રગનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 13 ઓક્ટોબરના રોજ 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. આ મામલે પોલીસે મોડીરાત્રે કંપનીના ડિરેકટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેંસાણિયા તેમજ અન્ય 2 કેમિસ્ટની ઘરપકડ કરી હતી. આ પાંચેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.