વડોદરા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બનતા રોડ પરના સર્કલો નાના કરવાની કામગીરી શરૂ કરાઇ

છાણી જકાતનાકા સ્થિત સર્કલનું કામ પૂરું થતાં બીજા ચાર સર્કલ નાના કરાશે

MailVadodara.com - The-traffic-problem-in-Vadodara-city-is-getting-worse-the-work-of-reducing-the-circles-on-the-road-has-started

- હાલ છાણી જકાતનાકા સ્થિત વડ સર્કલ નાનું કરવાની કામગીરી ચાલુ છે, ત્યારબાદ રાત્રિ બજાર પાસેના વુડા સર્કલનું કામ શરૂ કરાશે

વડોદરા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે અને મુખ્ય રોડ પર ટ્રાફિકના મોટા મોટા સર્કલ નાના કરવાની માગણી થતા તેના અનુસંધાનમાં વડોદરા કોર્પોરેશન દ્વારા હાલ છાણી ખાતે આવેલું સર્કલ નાનું કરવાનું કામ શરૂ કરી દેવાયું છે અને હજુ અઠવાડિયું ચાલશે. હાલ આ સર્કલ 35 મીટરનું હતું. હવે તે નાનું કરાતા 31 મીટરનું રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રાત્રી બજાર પાસે વુડા સર્કલનું કાર્ય હાથ પર લેવાશે. 


સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ વુડા સર્કલની કામગીરી બાદ એરપોર્ટ સર્કલ, સુસન અને તરસાલી સર્કલની કામગીરી કરવામાં આવશે. આ બધા સર્કલ બબ્બે મીટર નાના થઈ જશે. જેના કારણે રોડ વધુ પહોળો થતાં ટ્રાફિકને રાહત રહેશે. આ દરમિયાન વોર્ડ નંબર-1ના કોંગ્રેસના કોર્પોરેટરોના કહેવા મુજબ છાણી સર્કલ જે વોર્ડ નંબર એક વિસ્તારમાં આવે છે, તે નાનું કરવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, અને તેને ધ્યાનમાં રાખીને હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા અગાઉ ટ્રાફિક સર્કલો મોટા-મોટા બનાવી દેવામાં આવ્યા હતા,  હાલ ટ્રાફિકનું ભારણ વધતા તે નાના કરવાની ફરજ પડી રહી છે. 

છાણી સર્કલ ખાતે વડોદરાના જાણીતા શિલ્પી નાગજીભાઈએ બનાવેલું વડનું સ્થાપત્ય હાલ મૂકવામાં આવેલું છે. વડની પ્રતિકૃતિ સમાન સ્થાપત્ય અગાઉ ફતેગંજમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું અને ત્યારે તે વડ સર્કલ તરીકે ઓળખાતું હતું, પરંતુ ફતેગંજમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવતા તેમા નડતરરૂપ બનતા ખસેડીને છાણી લઈ જવાયું હતું. આ સ્થાપત્યની આસપાસ ઝાડી-ઝાંખરા અને વનસ્પતિ ઊગી નીકળતા સ્થાપત્ય ઢંકાઈ ગયું હતું. 


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રી-ઇમેજિંગ વડોદરા વિશે કાર્ય શિબિર યોજાઇ હતી ત્યારે વડોદરાના રાજમાતાએ પણ વડના સ્થાપત્યને કોઈ વડોદરાવાસી જોઈ ન શકે તે રીતે છાણી સર્કલમાં મૂકી દીધું તે બદલ તેમણે ટીકા પણ કરી હતી. તેમના કહેવા મુજબ આવું શ્રેષ્ઠ અને સુંદર સ્થાપત્ય એરપોર્ટથી અને બહારથી આવતા વીઆઈપી લોકો જોઈ શકે તેવા સ્થળે રાખવું જોઈએ. આ સ્થાપત્ય વડોદરાનો ગેટ-વે હતો. 

કોંગ્રેસના કોર્પોરેટરોના કહેવા મુજબ છાણી ખાતેના આ સુંદર સ્થાપત્યને ઝાડી-ઝાખરાં, વનસ્પતિના કારણે લોકો જોઈ પણ શકતા નથી. જેથી તેની સફાઈ કરાવી સુશોભન કરાવવાની માંગણી કરવામાં આવી છે.

Share :

Leave a Comments