- બાળમેળો તા.26 સુધી સવારે 8થી રાત્રિના 8 વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લો રહેશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 52માં બાળમેળાનો આજથી ત્રણ દિવસ માટે કમાટીબાગ ખાતે પ્રારંભ થયો છે. આજે સવારે સંગીતની સુરાવલીઓ વચ્ચે આકાશમાં ત્રિરંગી ફુગ્ગા છોડીને બાળમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બાળમેળાને 'સયાજી કાર્નિવલ' નામ અપાયું છે. જે તારીખ 26 સુધી સવારે 8થી રાત્રિના 8 વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લો રહેશે.
વડોદરાના સયાજીબાગ ખાતે સયાજી કાર્નિવલ 52માં બાળ મેળો ચાલી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેકટ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં મહાનુભાવો સાથે ટોક શો, અંતાક્ષરી, કોન બનેગા જ્ઞાનપતિ અને ટેલેન્ટ હન્ટ, વાનગી સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકો દ્વારા હાલમાં ચાલતા કુંભ મેળા એ વિશેષતા તેમજ સંપૂર્ણ માહિતી પ્રોજેક્ટ આ માધ્યમથી રજૂ કરવામાં આવી છે જે આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એવા બુલેટ ટ્રેન નો પણ બાળકો દ્વારા પ્રોજેક્ટ બનાવીને રજૂ કરવામાં આવ્યો છે તથા ઉપરાંત વિવિધ જ્ઞાન સભર સ્ટોલ્સ પણ મેળામાં ઉભા કરવામાં આવ્યા છે.
બાળમેળામાં મનોરંજન વિભાગમાં કઠપૂતળીનો ખેલ, કાર્ટુન કેરેક્ટર્સ, મુન વોકર્સ, મોગલી વોક જેવા આનંદ પ્રમોદના વિભાગો મુકેલા છે. શિક્ષણ સમિતિ વડોદરાની 119 પ્રાથમિક શાળાઓ, 10 માધ્યમિક શાળાઓ તથા 97 બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા રોજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે. બાળમેળામાં અલગ અલગ થીમ ઉપર 33 શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોષી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ,વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કી સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિદ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર, શ્વેતાબેન પારગી શાશન અધિકારી, બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિદ દેસાઈ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળમેળાની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમો માણ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિના આ બાળમેળાની શરૂઆત 1953 માં કરવામાં આવી હતી. બાળમેળાનું સમગ્ર સંચાલન બાળકો કરે છે. બાળકો દ્વારા યોજાતો આ પ્રકારનો બાળમેળો ભારતભરમાં સૌપ્રથમ છે. 18મી સદીના રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોત સતત સળગતી રહે તે હેતુ ચરિતાર્થ કરતો લેસર શો પણ આ બાળમેળામાં રજૂ કરાયો છે. દર વર્ષે આ બાળમેળાની પાંચથી સાત લાખ લોકો મુલાકાતે આવે છે.