- આરોપીઓને ઓળખ પરેડ માટે ગ્રામ્ય મામલતદાર કચેરીએ લઈ જવાયા
- બુરખા ઉતારી ઓળખ પરેડ કરાઈ, પીડિતાએ તમામ નરાધમોને ઓળખી બતાવ્યા
- પોલીસે નરાધમોની જાહેરમાં સર્વિસ કરવાની જરૂર : ભાયલીના પૂર્વ સરપંચ
વડોદરાના ભાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર ત્રણેય આરોપીને આજે (8 ઓક્ટોબર) ઓળખ પરેડ માટે ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. અહીં તમામ નરાધમોને પીડિતાએ ઓળખી બતાવ્યા છે. જે બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ ગામના પૂર્વ સરપંચ દર્શન પટેલે જણાવ્યું હતું કે, પોલીસની કામગીરી સરાહનિય છે. હજુ આ નરાધમોની જાહેરમાં સર્વિસ કરવાની જરૂર છે, જેથી વિકૃતી ધરાવતા લોકો આ જોઈને આવું કરવાની હિંમત ન કરે.
તારીખ 4 ઓક્ટોબર, 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતે ભાયલી બિલ રોડ ઉપર સગીરા અને તેનો મિત્ર બેઠા હતાં. તે દરમિયાન ત્રણ હવસખોરોએ સગીરાના મિત્રને પકડી રાખી એકબાદ એકે સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ત્રણેય નરાધમો મુમતાઝ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારાની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.
આજે જિલ્લા પોલીસે ત્રણેય આરોપીઓનો કબજો લઇ કોઠી કચેરી સ્થિત ગ્રામ્ય મામલદાર શૈલેષ દેસાઇ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પીડિતાને મામલતદારની ચેમ્બરમાં બનાવવામાં આવેલી વિશેષ જગ્યાએ રાખવામાં આવી હતી. જ્યાં ત્રણેય હવસખોરોના એક પછી એક બુરખા ઉતારી મામલતદાર ચેમ્બરમાં છૂપાવીને ઉભી કરવામાં આવેલી પીડિતાને બતાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પીડિતાએ તમામ આરોપીને ઓળખી બતાવ્યાં હતાં.
આજે સવારે કોઠી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હેવાનોને ઓળખ પરેડ માટે લાવવામાં આવ્યા હતા. કોઠી કચેરી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. લગભગ એક કલાક જેટલા સમયમાં ઓળખ પરેડ પૂરી થઇ ગયા બાદ આરોપીઓને તાલુકા પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા હતા. જે બાદ આરોપીઓને બુરખા વગર જ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
અહીં ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્શન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે આરોપીઓને 48 કલાકમાં ઝડપી પાડ્યા છે તે મુજબ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત પોલીસ અભિનંદનને પાત્ર છે. હું હજુ પોલીસને કહેવા માગુ છું કે, આ નરાધમોની સર્વિસ હજુ થોડી વધારે કરે. જાહેરમાં ઢોરમાર મારવામાં આવે, જેથી આ દૃશ્યો જોઈને વિકૃત માનસિક્તા ધરાવનાર લોકો આ જોઈને આવું કૃત્ય ન આચરે અને ડરે.
વધુમાં ઉમેર્યું કે, મેં જે જાહેરાત કરી હતી કે, બાતમી આપનારને 50 જહારનું ઈનામ આપીશ. હું આજે ફરીથી કહું છું કે, એક-બે દિવસમાં એસપી સાહેબ સાથે ચર્ચા કરી જે પણ વ્યક્તિ હશે તેને ઈનામી રાશી મારે આપી દેવાની છે.