વડોદરામાં બે કાર પરત કરવા 30 હજારની લાંચ માગનાર માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલિન PIની ધરપકડ

5 વર્ષ જૂના બનાવમાં એસીબીએ કાર્યવાહી કરતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગયો

MailVadodara.com - The-then-PI-of-Manjalpur-Police-Station-was-arrested-for-demanding-a-bribe-of-30-thousand-to-return-two-cars-to-Vadodara

- ભાડે ફેરવવા લેનાર મિત્રએ અરજદાર અને તેના મિત્રની કારને ગીરવે મૂકી દીધી હતી, જેથી બંને કાર પરત મેળવવા અરજદારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી

અરજદારને બે કાર પરત કરવા માટે રૂપિયા 30,000ની લાંચની માગણી કરનાર માંજલપુર પોલીસ મથકના તત્કાલિન પીઆઈની વડોદરા લાંચ વિરોધી શાખાએ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાંચ વર્ષ જૂના આ બનાવમાં એસીબીએ કાર્યવાહી કરતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી.

એસીબીમાંથી મળેલી માહિતી પ્રમાણે, શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં ઝહુરહુસેન મોટામીયા સિંધી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન અરજદાર અને તેમના મિત્રોએ બે કાર ભાડે ફેરવવા માટે આપી હતી. પરંતુ ભાડે ફેરવવા લેનાર મિત્રએ તેમની બંને કાર અન્ય જગ્યા પર ગીરવે મૂકી દીધી હતી. જેથી અરજદારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને કાર પરત મેળવવા માટે અરજી આપી હતી.

દરમિયાન આ ગાડીઓ લક્ષ્મીપુરા પોલીસે કબ્જે કરી હતી. જે બંને કાર શોધી કાઢીને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. અરજદારે બંને કારને છોડાવવા માટે તત્કાલીન પીઆઈ ઝેડ. એમ. સિંધીએ અરજદાર પાસે તેઓના મિત્રોની બે ગાડીઓ છોડાવવા માટે એક ગાડીના રૂપિયા 15 હજાર લેખે બે ગાડીના રૂપિયા 30 હજારની લાંચની માગણી કરી હતી. પરંતુ અરજદાર પીઆઈને લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ વડોદરા એસીબીમાં 26 જુલાઈ 2019 ના રોજ ફરીયાદ આપી હતી.

એએસીબીના મદદનીશ નિયામક પરેશ ભેંસાણીયાએ જણાવ્યું હતું કે, એસીબીએ જે તે પી.આઈ.ને લાંચ લેતી વખતે રંગી હાથ ઝડપી પાડવા માટે લાંચનુ છટકુ ગોઠવ્યું હતું. પરંતુ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાઈ હોવાનો તત્કાલીન પી.આઈ. ને શક જતા અરજદાર પાસેથી લાંચની રકમ સ્વીકારેલ ન હતી. જેથી લાંચનુ છટકું નિષ્ફળ રહ્યું હતું. રાજ્ય સેવક દ્વારા અરજદાર પાસે 30,000 રૂપિયાની લાંચની માગણી કરી હોવાનું તપાસ દરમિયાન મેળવેલા એફએસએલના પૂરાવાઓ ઉપરથી સ્પષ્ટ થતું હતું. જેથી એસીબી દ્વારા તત્કાલીન પીઆઈ ઝેડ.એમ. સિંધીને લાંચ માગી હોવાના ગુનામાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન પીઆઈ ઝેડ.એમ. સિંધી હાલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે.

Share :

Leave a Comments