- સડક પર ગુલાબી પટ્ટા પાડી સાયકલ ટ્રેક પર સાયકલ ચલાવવી અકસ્માતને આમંત્રણ આપવા બરાબર..!!
વડોદરા શહેરમાં વિકાસના નામે આંધુકળીયા કરવા ટેવાયેલા શાસકોએ ટ્રાફિક થી ધમધમતા રોડ પર સાયકલ ટ્રેક બનાવવાની અનોખી સિદ્ધિ હાસિલ કરી છે. શાસકોએ આવા આંધળુંકિયા કરવા પાછળ પ્રજાના રૂપિયા ૧.૮૭ કરોડનું આંધણ કર્યું છે.
વડોદરા શહેરમા વિકાસ કરવાના નામે આંધળુંકિયા થયા હોય એવા સંખ્યાબંધ કિસ્સાઓ શાસકો અને અધિકારીઓની અણઆવડત ની ચાડી ખાય છે. તાજેતરમાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલના વિસ્તારમાં બનેલા સાયકલ ટ્રેકની નિષ્ફળતાની ચર્ચા શહેરભરમાં ચાલી રહી છે. સાયકલ ટ્રેક અલાયદો હોય છે જેમા સાયકલ સવારની સલામતીને પ્રાધાન્યતા આપવામાં આવે છે. હવે વડોદરાના શાસકોએ બનાવેલો અવનવો સાયકલ ટ્રેક જોઈએ. શાસકોની નવી શોધ અને સિદ્ધિ સમા આ સાયકલ ટ્રેક પર સાયકલ સવારની સલામતી ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે. ટ્રેકના નામે ટ્રાફિક થી ધમધમતા રોડની ધારે એક ગુલાબી કલરનો પટ્ટો પાડી દેવામાં આવ્યો છે.
રોડ પર દોડતા વાહનો વચ્ચે સાયકલ સવારની સલામતી કેટલી ? સડક પર આવેલી સોસાયટી અને કોમ્પ્લેક્સના પાર્કિંગ ની જગ્યાને સાયકલ ટ્રેક માટે ફાળવી દેવામાં આવી. આંધળુંકિયું કરતા પહેલા પાર્કિંગ ની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય લોકો સાથે ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સાયકલ ટ્રેક પર વાહનો પાર્ક થશે તો વાહનો ઉપાડી લેવાની ચીમકી અપાઈ રહી છે. આ બધા ની વચ્ચે સાયકલ ટ્રેકનો ઉપયોગ કેટલા લોકો કરી રહ્યા છે અને શું કહેવું છે લોકોનું એ પણ જાણી લઈએ
જો કે સામાન્ય પ્રજા માટે અડચણરૂપ બનતા સાયકલ ટ્રેક અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ ગર્વ અનુભવે છે.
ખેર, સાયકલ ટ્રેકના નામે પટ્ટા પાડી શાસકો ભલે તેણે સાયકલ ટ્રેક માનતા હોય, વિરોધ પક્ષ આ સાયકલ ટ્રેક સ્વીકારવા તૈયાર નથી.
તમને જાણીને નવાઈ લાગશે કે સડક પર પટ્ટા પાડી સાયકલ ટ્રેક બનાવવા પાછળ રૂપિયા ૧.૮૭ કરોડનો ખર્ચ છે. અધિકારીઓ કહે છે કે અમે ઘણી જગ્યાએ રોડ ના છેડા પર ડામ્મર નાખી રોડ બનાવ્યો છે અને રૂપિયા ૫૨ લાખ ચુકવાઈ ગયા છે.
અહીં સવાલ એ છે કે સાયકલ ટ્રેક બનવાતા પહેલા સાયકલ ટ્રેક કેવો હોય એ જોવામાં નહીં આવ્યું હોય ? આવા સાયકલ ટ્રેક પર સાયકલ સવારની સલામતી ના જોખમાય ? શાસકો અભ્યાસ કર્યા સિવાય સાયકલ ટ્રેક બનાવી દીધો ? પૂર્વ વિસ્તારમા અન્ય પ્રાથમિક સુવિધાઓ છોડી માત્ર સાયકલ ટ્રેક પાછળ રૂપિયા ૧.૮૭ કરોડ ખર્ચી નાખવાની તાલાવેલી કેમ જાગી ? ખેર, આવા અનેક સવાલોના જવાબો શાસકો પાસે નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આજવા રોડ પર ત્રણ કરોડના ખર્ચે બનેલા રાત્રી બજારનો પ્રોજેક્ટ પણ શાસકોની નિષ્ફળતાનો ઉત્તમ નમૂનો છે.