- અગાઉ 554 વર્કરમાંથી 476 ઉમેદવાર હાજર થયા હતા, હવે બાકી 78 ઉમેદવારોને તારીખ 5 મે સુધીમાં હાજર થવા કોર્પોરેશને સૂચના આપી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત કુલ 554 વર્કરની ભરતી માટે કરવામાં આવેલી પ્રક્રિયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને હાજર થવાની સૂચના આપવામાં આવી હતી. જે પૈકી 476 હાજર થયા હતા અને 78 ઉમેદવાર હાજર થયા ન હતા. આ 78 ઉમેદવારને પસંદ કરવા માટે કોર્પોરેશન દ્વારા આજરોજ બીજી પસંદગી યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકી દેવામાં આવી છે. આ ઉમેદવારોને પોતાના નિમણૂકના હુકમ જાતે ડાઉનલોડ કરી તારીખ 29 થી 5 મે સુધીમાં યાદીમાં ફાળવવામાં આવેલ જે તે ઝોન ની કચેરી ખાતે બાયોલોજીસ્ટ સમક્ષ હાજર થવા સૂચના આપી દેવામાં આવી છે. તારીખ 5 સુધીમાં જો કોઈ હાજર ન થાય તો તેઓનું નામ યાદીમાંથી રદ કરી તેમની જગ્યાએ વેઈટિંગ લિસ્ટમાં જે કોઈ યોગ્ય ઉમેદવાર હશે તેને પસંદ કરી લેવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી છે. જે 554 વર્કરની ભરતી કરવામાં આવી હતી, તેમાંથી 106 પબ્લિક હેલ્થ વર્કર છે જ્યારે 448 પુરુષ ફિલ્ડ વર્કર છે. 106 પબ્લિક હેલ્થ વર્કર માંથી 17 ઉમેદવાર જ્યારે 448 ફિલ્ડ વર્કરમાંથી 61 ઉમેદવાર હાજર થયા ન હતા એટલે કે કુલ 78 ઉમેદવાર આવ્યા ન હતા.
અગાઉ કોર્પોરેશને સૂચના આપી હતી કે, જો તારીખ 20 એપ્રિલ સુધીમાં કોઈ ઉમેદવાર હાજર ન થાય તો પસંદગી યાદીમાંથી તેનું નામ રદ કરી વેઇટિંગ લિસ્ટમાંથી અન્યની જે તે જગ્યાએ નિમણૂક આપવામાં આવશે. જેથી આ 78 ઉમેદવાર લેવા માટે આજરોજ સેકન્ડ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. કુલ 554માંથી 476 હાજર થયા હતા અને તેઓએ કામગીરી શરૂ કરી દીધી છે. જે હેલ્થ વર્કરો ફરજ પર લેવામાં આવ્યા છે, તેઓ દ્વારા વાહક જન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી કરશે.