વેપારી પર લાકડીઓથી જીવલેણ હુમલો કરી રોકડ સહિતનો મુદ્દામાલ લૂંટી લૂંટારાઓ ફરાર

દૂધવાડા ગામના પ્રોવિઝન સ્ટોરના માલિક દિવસના વકરાના રૂપિયા લઇ રાત્રે ઘરે જતા હતા

MailVadodara.com - The-robbers-attacked-the-businessman-fatally-with-sticks-and-looted-valuables-including-cash-and-escaped

- અચાનક ઝાડીમાંથી ચાર શખ્સો લાકડી લઇને આવ્યા હતા, વડુ પોલીસ તેમજ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે લૂંટારાઓને પકડવા ડોગસ્વોડની મદદ લઇ તપાસ શરૂ કરી


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દૂધવાડા ગામ પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરના વેપારીને ચારથી પાંચ લૂંટારાઓએ લાકડીઓથી જીવલેણ હુમલો કરી તેઓની પાસેની રોકડ રૂપિયા 40 હજાર સહિતનો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા. રાત્રે બનેલા આ બનાવે પંથકમાં સનસનાટી મચાવી મૂકી છે. આ બનાવ અંગે વડુ પોલીસ તેમજ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે લૂંટારાઓને ઝડપી પાડવા ડોગસ્વોડની મદદ લઇ તપાસ શરૂ કરી છે.

વડુ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પાદરા તાલુકાના દૂધવાડા રામજી મંદિરવાળા ફળિયામાં રહેતા નિલેષભાઇ અંબાલાલ પટેલ પરિવાર સાથે રહે છે અને દુધવાડા ગામ પાસે આવેલી બોદાલ કંપની નજીક શ્રીજી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે. તેઓ રાત્રે 8 વાગ્યે પોતાની દુકાન બંધ કરીને દિવસના વકરાના આશરે રૂપિયા 40 હજાર રોકડા પોતાની થેલીમાં મુકીને એક્ટિવા ઉપર ઘરે જવા નીકળ્યા હતા.


દરમિયાન બોદાલ કંપની પાછળથી જતા સીધા કાચા રસ્તા ઉપર આવતા તળાવ પાસે અંધારામાં અચાનક ઝાડીમાંથી ચાર જેટલા અજાણ્યા શખ્સો લાકડીઓ લઇને તેમની પાસે આવ્યા હતા અને તેમને લાકડી વડે માર મારવા માંડ્યા હતા. લાકડીના ઉપરા-છાપરી ફટકા વાગતા તેમને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું અને તેઓ નીચે પડી ગયા હતા. ત્યાર બાદ પણ શખ્સોએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું.

માથામાં જીવલેણ હુમલાથી રસ્તા ઉપર પડી ગયેલા વેપારી નિલેશભાઇ પટેલ પાસેની રૂપિયા 40 હજાર રોકડ મૂકેલી થેલી, ટિફીન બોક્સ અને એક્ટિવાની ચાવી ઝાડીમાં ફેંકી લૂંટ ચલાવી ટોળકી ફરાર થઇ ગઇ હતી. આ ઘટના દરમિયાન પસાર થઇ રહેલા એક વ્યક્તિએ અન્ય લોકોને બોલાવી લીધા હતા. જે પૈકી નવનિતભાઇ પટેલે જણાવ્યું હતું કે, લૂંટારાઓનો ભોગ બનેલા વેપારી નિલેશભાઇ પટેલને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરા ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

બીજી બાજુ આ બનાવ અંગેની જાણ વડુ પોલીસ મથકમાં કરવામાં આવતા ઇન્ચાર્જ પી.આઇ. કે. ડી. ભરવાડ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે સવારે ડીવાયએસપી બી.એચ. ચાવડા, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લૂંટારાઓના સગડ મેળવવા ડોગસ્વોડની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. રાત્રે દૂધવાડા ગામ પાસે બનેલા લૂંટના બનાવે વડુ પંથકમાં ચકચાર જગાવી મૂકી છે.

Share :

Leave a Comments