- મશીનો બરાબર કામ કરતા નથી છતાં મશીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરાયો!
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં ઝોન દીઠ બે પ્રમાણે રોડ સફાઈ માટે આઠ સ્વીપર મશીનો હાલમાં કાર્યરત છે. રૂપીયા 80 લાખની કિંમતના એક એવા આઠ મશીનો દરેક ઝોનમાં રોડ પર ડીવાઇડરની બન્ને તરફની બાજુ સાફ-સફાઇ કરે છે. જોકે આ મશીનો જોઈએ તેવી ઝડપે અને ચોક્કસ સફાઈ કરતા નથી અને હાલ મશીનની કામગીરી જોતા એવું જણાઈ રહ્યું છે કે ખર્ચ માથે પડ્યો છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ પોતાના વિસ્તારોમાં રૂ.80 લાખના મશીનો કામ કરતા જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કેમ કે રોડ પર ધીમે-ધીમે સફાઈ કરતા આ મશીનો આગળ ચાલે છે અને કચરો ઉપાડતા નથી. મશીન રોડના ડિવાઇડરની ઘાર પરની માટી ઉડાડે છે અને કચરો આગળ ધકેલે છે. મશીન કચરો આગળ ધકેલી પાછું આવે છે અને મજુર પાવડા તથા બ્રશ વડે કચરાનો ઢગલો ડોલમાં ભરે છે અને સ્વીપર મશીનમાં નાંખે છે, એટલે કે આ સ્વીપર મશીન જે હેતુ સાથે ખરીદાયા છે તે હેતુ સિદ્ધ થતો નથી અને કચરાની સફાઇ મજુરો થકી કરવી પડે છે. રૂપિયા 6.40 કરોડના ખર્ચે મશીનો ખરીદ્યા પછી પણ સફાઈ હાથે કરવી પડતી હોય તો પછી મશીન ખરીદવાની જરૂર નથી હતી અને ખર્ચનો વેડફાડ કરવાની શી આવશ્યકતા હતી. તે સવાલ તેમણે ઉઠાવ્યો છે. આ સ્વીપર મશીનો વર્ષોથી આવી રીતે હેતુ સિદ્ધ કર્યા વગર ફરી રહ્યા છે. મશીનો બરાબર કામ કરતા નથી છતાં પણ હાલમાં આ મશીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે અગાઉ બે વખત પત્રો લખ્યા છે છતાં ફરીયાદ ધ્યાને લેવાઇ નથી, સ્વીપર મશીનો ચલાવવાના બહાને કૌભાંડ ચાલી રહ્યું હોવાની આશંકા તેમને વ્યક્ત કરી છે, સમગ્ર બાબતે યોગ્ય તપાસ કરી પગલાં નહીં લેવાય તો અદાલતના દ્વાર ખખડાવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.