વડોદરાથી વાઘોડિયા તરફ જતો રસ્તો સીક્સ લેન કરાશે, રોડની બંને બાજુ લાગેલા બોર્ડ હટાવી લેવા વુડાની સૂચના

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રસ્તો સીક્સ લેન કરવાનું આયોજન

MailVadodara.com - The-road-from-Vadodara-to-Waghodia-will-be-made-six-lane-vuda-instruction-to-remove-the-boards-on-both-sides-of-the-road

- સાત દિવસ કામગીરી નહીં થાય તો વુડા બોર્ડ ખસેડવાની કાર્યવાહી કરશે

વડોદરાથી વાઘોડિયા તરફ જતો રસ્તો છ માર્ગીય બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. આ રોડ-રસ્તાની બંને સાઈડ પર અનેક જગ્યાએ જાહેરાતના નાના મોટા અનેક બોર્ડ લગાવવામાં આવ્યા છે. જાહેરાતના ગેરકાયદે તથા અન્ય રીતે લગાવાયેલ આવા બોર્ડ સહિતના અન્ય બોર્ડ તાત્કાલિક ધોરણે ખસેડી લેવા તંત્ર દ્વારા જણાવાયું છે. આગામી સાત દિવસ આ કામગીરી નહીં થાય તો વુડા તંત્ર દ્વારા આવા બોર્ડ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાશે. 

વડોદરાથી વાઘોડિયા ગામ તરફ જતા રસ્તાનો નવી ટીપી સ્કીમમાં સમાવેશ થયો છે. આ રસ્તાનો ઉપયોગ ત્રણ યુનિવર્સિટીના 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાઘોડિયા જીઆઇડીસીની કંપનીના અનેક કર્મચારીઓ આવન-જાવન કરે છે. હવે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ-વુડા દ્વારા આ રસ્તો સીક્સ લેન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ આ રસ્તાની બંને બાજુએ અનેક સોસાયટીઓ સહિત જાહેરાતના અનેક બોર્ડ લગાવાયા છે. જેમાંના કેટલાય બોર્ડ ગેરકાયદે હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે, આ રસ્તો પહોળો કરવાનો હોવાથી જાહેરાતના લગાવાયેલા આવા બોર્ડ રસ્તાની બંને બાજુએથી ખસેડી લેવા વુડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારીએ જણાવ્યું છે. આગામી સાત દિવસમાં આવા તમામ બોર્ડ જે તે વ્યક્તિઓ દ્વારા હટાવવામાં નહીં આવે તો, વુડા તંત્ર દ્વારા આ તમામ બોર્ડ ખસેડી લેવાની કાર્યવાહી હાથ ધરાશે.

Share :

Leave a Comments