વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અટલાદરા-માંજલપુર રોડલાઇન ઉપર માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા જતા 36 મીટરની રોડલાઇન પર મુંબઈ-અમદાવાદ બ્રોડગેજ લાઈન ઉપર આશરે 41 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું કામ હવે ઝડપભેર પૂરું કરવા માંગે છે.
વડોદરા કોર્પોરેશન આ બ્રિજ તરફના એક રોડની કામગીરી પણ શરૂ કરવા જઈ રહ્યું છે. ખિસકોલી સર્કલથી અટલાદરા બ્રિજ તરફ બાકી રહેલ રસ્તા પર આરસીસી રોડની કામગીરી 2.14 કરોડના ખર્ચે કરનાર છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા અટલાદરા-માંજલપુર બીલાબોંગ સ્કૂલ જંકશન પર આઉટર રીંગરોડ તરફ બાકી રહેલ છ મીટરની પહોળાઈમાં આરસીસી રોડની કામગીરી 2.98 કરોડના ખર્ચે શરૂ કરનાર છે. આ રોડ વડસર તરફ જાય છે. આ બંને કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2023-24 ની ગ્રાન્ટમાંથી કરવામાં આવનાર છે. આમ, દક્ષિણ ઝોનમાં 5.12 કરોડના ખર્ચે બે રોડની કામગીરી ચાલુ કરવામાં આવનાર છે. અટલાદરા માંજલપુર રેલવે ઓવર બ્રિજનું કામ 2020થી ચાલે છે. બ્રિજની કોર્પોરેશન દ્વારા કરવાની બાકી કામગીરી પૂર્ણ થતાં હજુ ત્રણ ચાર મહિનાનો સમય વીતી જાય તેવી શક્યતા છે.
રેલ્વે દ્વારા બ્રિજ પર રેલવેના ભાગમાં સ્પાનની કામગીરી ગયા મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ આ સ્પાન સાથે કોર્પોરેશનના બ્રીજના અપ્રોચ ભાગનું જોડાણ કરવાનું તથા રોડ કાર્પેટિંગનું કામ કરવાનું બાકી છે. આ બ્રિજ બનતા અને રોડ ખુલ્લો થતાં માંજલપુર તથા શહેર વિસ્તારના રહીશોને અટલાદરા, કલાલી તથા પાદરા તરફ જવા સરળતા રહેશે.