- હાલ નદીનું લેવલ 9.8 મીટર છે, સામાન્ય રીતે 8.8 મીટર હોવું જાેઇએ, હાલ નદીમાં વહેતું પાણીનું હોવાથી માટી અને કાપ તણાઈને આવતા રેડિયલમાં જામી જાય છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી ખાતે આવેલા ચાર ફ્રેંચ કુવા પૈકી રાયકા અને દોડકા કુવામાં મહી નદીના વહેતા પાણીના કારણે માટી અને કાપ ભરાઈ જવાની સમસ્યા રહેતી હોવાથી ગમે ત્યારે પંપ બંધ કરવા પડે તેવી સ્થિતી ઉભી થઇ શકે છે, જેના લીધે પાણી ઓછું મળી શકે તેમ હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરથી ઓછા સમય માટે અપાય તેવી શક્યતા છે. જેના કારણે આગામી તા.5 ઓક્ટોબરથી કુવાના રેડિયલની સફાઈ તબક્કા વાર ચાલુ થાય તેમ જાણવા મળ્યું છે. વડોદરા શહેરની નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, આજવા રોડ ટાંકી, દરજીપુરા બુસ્ટર, ખોડીયાર નગર, એરપોર્ટ અને વારસિયા બુસ્ટર હેઠળના વિસ્તારોને પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવી શકે તેમ છે. હજુ કેટલાક દિવસ આ સ્થિતિ રહેશે તેમ જાણવા મળ્યું છે.
તાજેતરમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદીમાં પાણીની સપાટી ખૂબ જ વધી ગઈ હતી, જેના લીધે કોર્પોરેશનના ચાર ફ્રેન્ચ કૂવાને અસર થઈ હતી. સામાન્ય રીતે આ લેવલ 8.8 મીટર હોવું જોઈએ. હજી પણ ઉપરવાસમાંથી પાણીની આવક નદીમાં આવતી હોવાથી પાણી સતત વહેતું રહે છે, અને તેની સાથે માટી અને કાપ પણ તણાઈને આવે છે. હાલમાં નદીનું લેવલ 9.8 મીટર છે. પંપો જ્યારે ચાલુ હોય ત્યારે ફ્રેન્ચ કૂવાના રેડિયલમાં માટી અને રેતીના થર જામવા માંડે તો તરત પંપ બંધ કરી દેવા પડે છે. આ વસ્તુની આગોતરી ખબર પડતી નથી કે ક્યારે રેતી અને માટીના થર જામી જશે.
સામાન્ય રીતે રાયકા કુવામાંથી 52 એમએલડી તથા દોડકા કૂવામાંથી 35 એમએલડી પાણી લેવામાં આવે છે. હજુ નદીમાં એક મીટર લેવલ ઓછું થાય તે પછી સ્થિતિમાં સુધારો થશે અને ચારે ફ્રેંચ કુવાના રેડિયલ સાફ કરવા પડશે. આ માટે માટીના પાળા નદીમાં મશીન ઉતારીને બનાવવા પડશે. જોકે આ કામગીરી દર વર્ષની છે. ચોમાસુ પૂરું થાય એટલે આ કામ કરવામાં આવે છે. પાંચ ઓક્ટોબરથી કુવાના રેડિયલની સફાઈ તબક્કા વાર ચાલુ થાય તેમ જાણવા મળ્યું છે.