દુમાડ ચોકડી પાસે રસ્તામાં નડતરરૂપ વર્ષો જૂના નાસ્તાના શેડ અને કાચા-પાકા મકાનો દબાણ શાખાએ દૂર કર્યા

દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી

MailVadodara.com - The-pressure-branch-removed-the-dilapidated-year-old-breakfast-sheds-and-mud-houses-on-the-road-near-Dumad-Chowk

- કોઈપણ નોટિસ આપ્યા વગર જ કોર્પોરેશનની ટીમ દબાણો દૂર કરવા માટે આવી પહોંચી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, તંત્ર સાથે ઉગ્ર બોલાચાલી થઈ


વડોદરા મહાનગર સેવાસદન દ્વારા રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઇવેથી વડોદરાના પ્રવેશદ્વાર ઉપર દુમાડ ચોકડી પાસેના ખાણી-પીણીના શેડ તેમજ શેડની પાછળ બનાવેલા કાચા-પાકા રહેણાંક મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. એક તબક્કે તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે, પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અઇચ્છનીય ઘટના બની નથી.


પાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચતાની સાથે જ ખાણીપીણીના શેડ બાંધીને વ્યવસાય કરતા લોકો અને આ વ્યવસાયધારકોના શેડની પાછળ આવેલા કાચા-પાકા મકાનો દૂર કરવા માટે જણાવતા લોકો રોષે ભરાયા હતા. તેમજ તંત્ર સાથે ઘર્ષણમાં ઉતરી પડયા હતા. જોકે, તંત્ર દ્વારા તેઓની કોઈ રજૂઆત સાંભળ્યા વિના જ પોતાની કામગીરી ચાલુ રાખી હતી. એક તબક્કે વાતાવરણ તંગ બની ગયું હતું.


પાલિકાની દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચતાની સાથે જ ખાણી પીણીના શેડ બનાવનાર લોકોએ પોતાના શેડ જાતે દૂર કરવાની શરૂઆત કરી દીધી હતી. જો કે, તેઓમાં તંત્ર સામે ભારે રોષ પણ જોવા મળ્યો હતો. તંત્રએ જણાવ્યું હતું કે, આ દબાણોના કારણે ટ્રાફિક વ્યવહાર ઉપર અસર થતી હતી. જેના કારણે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

ખાણીપીણીનો સ્ટોલ ધરાવનાર ધર્મિષ્ઠાબેન પરમારે જણાવ્યું હતું કે, આ જગ્યાએ અમે વર્ષોથી રહીએ છીએ અને ખાણીપીણીનું વેચાણ કરીને અમારું ગુજરાન ચલાવીએ છે. આજે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જ કોર્પોરેશનની ટીમ દબાણો દૂર કરવા માટે આવી પહોંચી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, જે લોકો ગેરકાયદેસર દબાણો કરીને બેઠા છે તે લોકોની સામે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ અમે મહેનત કરી વ્યવસાય કરીને અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ. ત્યારે અમોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમે અમારું ગુજરાન કેવી રીતે ચલાવીશું તે મોટો સવાલ છે. હાલ ચોમાસાની સીઝન છે ત્યારે જ પાલિકાની ટીમ દબાણ તોડવા આવી પહોંચી છે જે સામે અમારો સખત વિરોધ છે.


પ્રવિણભાઈ પરમારે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા અમને છ મહિના પહેલા નોટિસ આપી દબાણો દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ અમોએ આ બાબતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ રજૂઆત કરી હતી. હાલમાં કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જ પાલિકાની દબાણ શાખાની ટીમ આજે દબાણો દૂર કરવા માટે આવી પહોંચી છે. અમે વર્ષોથી અહીંયા રહીએ છે અને અમે ખાણીપીણીનો વ્યવસાય કરીને અમારું ગુજરાન ચલાવીએ છે. હાલ ચોમાસાની મોસમ હોવાથી અત્યારે અમારે ક્યાં જવું તે મોટો પ્રશ્ન છે. અમારી એક જ માગ છે કે, અમોને વ્યવસાય અને રહેવા માટેની પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. ત્યારપછી જ અમારા રહેણાંક મકાનો દૂર કરવામાં આવે. અમે જે જગ્યા ઉપર વ્યવસાય કરી રહ્યા છીએ તે જગ્યાથી કોઈપણ જાતની ટ્રાફિકને અસર થતી નથી. પરંતુ પાલિકા દ્વારા ટ્રાફિકના ઓઠા હેઠળ અમારા શેડ અને મકાનો દૂર કરવા માટે દબાણ કરી રહી છે.


પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઇવેથી શહેરમાં પ્રવેશ કરતા દુમાડ ચોકડી પાસે રસ્તામાં શેડ ઊભા કરીને ખાણીપીણીનો વ્યવસાય શરૂ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત આ શેડની પાછળ પણ તે લોકોએ દબાણો કરીને કાચા-પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. આ દબાણો દૂર કરવા માટે તમામને છ મહિના પહેલાં નોટિસ આપીને દબાણો દૂર કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ દ્વારા કોઈપણ જાતના દબાણો દૂર કરવામાં ન આવતા આજે પાલિકાને જાતે દબાણ દૂર કરવાની ફરજ પડી રહી છે. આ દબાણના કારણે ટ્રાફિક ઉપર ગંભીર અસર પહોંચતી હતી. આથી આજે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

Share :

Leave a Comments