- સતત ત્રીજા દિવસે કામગીરી ચાલુ, લારીઓ જપ્ત થતાં લોકોએ બચાવવા દોડધામ કરી મૂકી
શહેરના નાગરવાડાના ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા મુસ્લિમ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે પાલિકાની દબાણ શાખાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મંગળ બજાર, ન્યાય મંદિર વિસ્તારના દૂધવાળા મહોલ્લો, પથ્થર ગેટ રોડ અને મીયા અબ્બાસનો ખાંચામાં રસ્તાઓ ઉપર ગેરકાયદેસર ઉભી રહેતી ધંધા-રોજગારની લારીઓ તેમજ કાચા-પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપાના પૂર્વ કાઉન્સિલર તપન પરમારની માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થતા મુખ્ય માર્ગો ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મંગળવારે સાંજે મચ્છી પીઠ, સલાટવાળા, તાંદલજા વિસ્તારના રોડ ઉપરના ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા હતા. તે બાદ બુધવારે સવારથી સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર ગેરકાયદેસર રસ્તા ઉપર ઉભી કરી દેવાયેલી લારીઓ તેમજ દુકાનદારો દ્વારા બનાવી દેવામાં આવેલા કાચા-પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે ન્યાય મંદિર વિસ્તારના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા જેસીબી, ડમ્પર સાથે દબાણો દૂર કરવા માટે સવારે ન્યાયમંદિર ખાતે પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. ડીસીપી લીના પાટીલે દબાણ શાખા સાથે ઉભા રહી લારીઓ જપ્ત કરાવી હતી. પાલિકા દ્વારા આજે ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા કેટલાક લોકો પોતાની લારીઓ જપ્ત થતાં બચાવવા દોડધામ કરી મૂકી હતી. તો કેટલાક લોકોએ સ્વૈચ્છિક દબાણો દૂર કરવાની શરૂઆત કરી દીધી હતી.
મળેલી માહિતી પ્રમાણે દબાણ શાખાની ટીમ દ્વારા લારી ધારકોએ જપ્તીથી બચાવવા માટે ઘર પાસે મૂકેલી લારીઓ પણ જપ્ત કરવામાં આવતા લોકોએ તેનો વિરોધ કર્યો હતો પરંતુ, પોલીસ બંદોબસ્ત હોવાના કારણે લોકોનો વિરોધ દબાઇ ગયો હતો. વેપારીઓએ પાલિકાની દબાણ શાખા અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આજે સતત ત્રીજા દિવસે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ન્યાય મંદિર વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જોકે, આ કામગીરી દરમિયાન કોઇ અપ્રિય ઘટના બની નથી. પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ કામગીરી સતત ચાલુ રહેશે.