- આ ગુનામાં અત્યાર સુધી 4 રાજ્યોમાંથી કુલ 11 આરોપીની ધરપકડ કરાઇ
ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ-અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને ઠગાઇ કરતી ટોળકીના દુબઈના એક શખસની અમદાવાદ એરપોર્ટ પરથી લૂક આઉટ સર્ક્યુલર (LOC)ના આધારે વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં ઘર બેઠા પૈસા કમાવવાનું જણાવી અલગ-અલગ લીંક મોકલી તેમાં યુઝર આઇ.ડી. અને પાસવર્ડ બનાવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં ટેલિગ્રામ ચેનલ ઉપર ફરિયાદીનો સંપર્ક કરી ઓનલાઇન વસ્તુ ખરીદવાના અલગ અલગ ટાસ્ક આપવાના બહાને ટુકડે- ટુકડે કુલ રૂપિયા 1.69 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી અલગ અલગ બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે ફરિયાદીની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અગાઉ પકડાયેલા આરોપીએ બેંક ખાતુ ખોલીને દુબઇ રહેતા આરોપીને મોકલી આપ્યું હતું. જે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરી લૂક આઉટ સર્ક્યુલર (LOC) ઇસ્યુ કરવામાં આવ્યો હતો. ગુનો બન્યાના બે વર્ષ બાદ આરોપી મહંમદજુનેદ અહેમદમીયા મલેક, (ઉ.વ.31, રહે. બોરસદ, આણંદ) ભારત આવતા અમદાવાદ એરપોર્ટ ઉપરથી તેની ધરપકડ કરીને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આરોપી મહંમદજુનેદ અહેમદમીયા મલેક દુબઈ રહેતો હતો અને તેના ભારતીય મિત્રો પાસેથી બેંક ખાતાઓ, સીમકાર્ડની વિગતો મંગાવતો હતો. તેના બદલામાં તેઓને કમીશન પેટે નાણા આપતો હતો. આરોપીએ દુબઈમાં રહેતા ચાઈનીઝ દુભાષીઆ/એજેટને એકાઉન્ટ આપી આર્થિક લાભ મેળવ્યા હતાં. આ ગુનામાં તેણે સપ્લાય કરેલ બેંક ખાતા વિરુદ્ધ NCCRP PORTAL ઉપર 11 રાજ્યોમાં 23 કમ્પલેન નોંધાયેલ છે.
અત્રે નોંધનીય છે કે, ગુનામાં આજ દીન સુધી અલગ-અલગ 4 રાજ્યોમાંથી કુલ 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશમાં રહેતા ભારતીય આરોપી વિરુદ્ધ જુદા જુદા કેસમાં LOC (Look Out Circular) ઇસ્યુ કરવામાં આવે છે. અગાઉ પણ આવા દુબઈથી નેટવર્ક ચલાવતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.