- સ્થાનિક મહિલાનો આક્ષેપ, ગોડાઉનના સત્તાવાળાઓને રજૂઆત કરવા ગયા ત્યારે અહીંયાથી મકાનો ખાલી કરી જતા રહેવાની સલાહ આપી
- અન્ય મહિલાએ કહ્યું, સાંજના સમયે જીવાતોના ઝુંડ વિસ્તારમાં ફરી વળે છે, જમવા બેસીએ ત્યારે થાળીમાં અને પીવાના પાણીમાં પણ જીવાતો પડે છે
શહેરના ભૂતડીઝાપા ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ધનેરા જેવી જીવાત અને મરી ગયેલા ઉંદરોના કારણે ગોડાઉન પાછળ રહેતા 5000 ઉપરાંત લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકો આજે ગોડાઉન ખાતે જઇને હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સાંજના સમયે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. જમતી સમયે જમવાની થાળીમાં અને પીવા પાણીના વાસણોમાં ધનેરા પડી રહ્યા છે. રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે. એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગોડાઉનના સત્તાવાળાઓને રજૂઆત કરવા ગયા ત્યારે તેઓ મકાનો ખાલી કરી દેવા માટેની સલાહ આપી રહ્યા છે.
મળેલી માહિતી પ્રમાણે હુજરાત ટેકરા ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં ઘઉં, ચોખા, સહિત વિવિધ અનાજ સહિતનો જથ્થો રાખવામાં આવે છે. અને આ ગોડાઉન ઉપરથી શહેર જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં સપ્લાય કરવામાં આવે છે. જે દુકાનો દ્વારા ગરીબ લોકોને અનાજ આપવામાં આવતું હોય છે. સરકારી ગોડાઉનમાં યોગ્ય અને સમયસર સફાઈ અને દવાઓનો છંટકાવ કરવામાં આવતો ન હોવાથી ગોડાઉનની પાછળ આવેલા હુજરાત ટેકરા, લીમડા ફળિયા, દાદી અમ્મા દરગાહ, ડામડૂબ વિસ્તાર, કોયલી ફળિયા, બાવચાવાડ, ચૌહાણ સોસાયટી સહિતના વિસ્તારોમાંના લોકોને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવવાના કારણે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. છેલ્લા ત્રણેક માસથી સાંજના સમયે ધનેરા જેવી જીવાતો વિસ્તારમાં ઝુંડમા આવતી હોવાથી રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, સાંજના સમયે જીવાતોના ઝુંડ વિસ્તારમાં ફરી વળે છે. જમવા બેસીએ ત્યારે જમવાની થાળીમાં પડે છે. પીવાના પાણી ભરેલા વાસણમાં જીવાતો પડે છે. કાનમાં ઘૂસી જાય છે. નાના બાળકો માટે મુશ્કેલી રૂપ બનતા હોય છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી. ન છૂટકે આજે વિસ્તારના રહીશો એકઠા થઈને ગોડાઉન ખાતે હલ્લાબોલ કરવાની ફરજ પડી હતી. તે બાદ તંત્ર દ્વારા દવાઓનો છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
અન્ય સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, ગોડાઉન રહે એનો અમને વાંધો નથી. પરંતુ ગોડાઉનમાં સમયસર સફાઈ અને દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે આ પ્રશ્ન હલ કરવાની બદલે સત્તાવાળાઓએ જીવાતથી પરેશાન થતા હોય અને દુર્ગંધ આવતી હોય તો અહીંયાથી મકાનો ખાલી કરીને જતા રહો. તેવી સલાહો આપવામાં આવી રહી છે. ત્યારે અમો તંત્રને એવું કહીએ છે કે, અમો તો વર્ષોથી અહીંયા રહીએ છીએ. અહીંયાથી ગોડાઉન દૂર કરી દો એટલે તમારો પણ પ્રશ્ન હલ થઈ જાય અને અમારો પણ પ્રશ્ન હલ થઈ જાય. જીવાતોથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સરકારી અનાજના ગોડાઉનમાંથી સાંજ પડતાની સાથે માથું ફાડી નાખે તેવી દુર્ગંધો આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સ્થાનિક લોકોએ ગોડાઉનમાં મરેલા ઉંદરો પણ હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સ્થાનિક લોકોએ ધનેરા જેવી જીવાત અને મરેલા ઉંદરોના કારણે ફેલાતી દુર્ઘટના પગલે રોગચાળાએ પણ માથું ઊંચક્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિકોએ આ સમસ્યાથી છુટકારો અપાવવા માટે તંત્ર પાસે માગણી કરી છે.
સરકારી ગોડાઉનના આસિસ્ટન્ટ મેનેજર મિતેશ રાણાએ જણાવ્યું કે, જીવાતોનો પ્રશ્ન છે. ઉંદરોનો પણ પ્રશ્ન છે. પરંતુ સમયાન્તરે એટલે કે દસ દિવસના અંતરે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. દવાઓનો છંટકાવ કરવાના કારણે સાંજના સમયે જીવાતો ઊડીને પાછળના વિસ્તારમાં જાય છે. ચોમાસા દરમિયાન દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતિ હોય છે. ગોડાઉનમાં દવાઓનો છંટકાવ કરવાથી અનાજ પર તેની કોઈ અસર થતી નથી. આરોગ્ય માટે પણ કોઈ હાનીકારક હોતી નથી. અત્યારે ગોડાઉનમાં 300 ટન જેટલો ઘઉં અને ચોખાનો જથ્થો છે. આજે દવાઓનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે. અમોએ વિસ્તારના લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની કોઈ સલાહ આપી નથી. તેઓનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, આ સરકારી ગોડાઉન વર્ષોથી બનેલા છે. મોટાભાગના ગોડાઉનમાં એડઝોસ્ટ ફેન ન હોવાના કારણે હવા ઉજાસ ગોડાઉનમાં રહેતી નથી. જેના કારણે અનાજ બગાડવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જો કે હવે તંત્ર દ્વારા જે નવા ગોડાઉન બનાવવામાં આવી રહ્યા છે તેમાં એડજોસ્ટ ફેન પણ લગાવવામાં આવી રહ્યા છે.