- હત્યારાઓએ ગેમલસિંહ પરમારના માથામાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી મહિસાગર નદીના કોતરમાં 15 ફૂટ ઊંડા ખાડામાં ઊંધા મોંઢે દાટી દીધી હતી
વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામના 55 વર્ષીય વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દરીયાપુરા વિસ્તારના મહી નદીના કોતરમાં 15 ફૂટ ઉંડો ખાડો કરીને ઊંધા મોંઢે દાટી દેવામાં આવેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. પાદરા પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ અજાણ્યા હત્યારાઓએ માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું છે.
પાદરા પંથકમાં સનસનાટી મચાવી મૂકનાર આ બનાવની અંગે મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના મુજપુર ગામમાં સરકારી દવાખાના પાસે રહેતા ગેમલસિંહ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમયી ગૂમ થઇ ગયા હતા. આજે તેમનો મૃતદેહ મુજપુર ગામ પાસે દરીયાપુર પાસેથી મહી નદીના કોતરમાંથી દાટેલી હાલતમાં મળી આવ્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે મુજપુર ગામના વ્યક્તિએ પાદરા પોલીસને એક વ્યક્તિની લાશ દાટેલી હાલતમાં હોવાની જાણ કરતા પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવી સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને પંદર ફૂટ ઉંડા ખાડામાં ઉંધા મોંઢે દાટેલી મુજપુર ગામના ગેમલસિંહ પરમારની લાશ બહાર કાઢી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ગેમલસિંહના માથામાં કોઇ અજાણ્યા હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું સ્પષ્ટ જણાઇ આવ્યું હતું.
પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે પાદરા સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. તે સાથે પરિવારજનોની ફરિયાદ લઇ અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યારાઓને શોધી કાઢવા માટે પાદરા પોલીસ, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ અને જિલ્લા એસ.ઓ.જી.ની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી કોઇ સગડ મળ્યા નથી.
મળેલી માહિતી પ્રમાણે ગેમલસિંહ પરમાર ડભાસા ખાતે લ્યુપીન કંપનીમાં નોકરી કરતા હતા અને પત્ની, બાળકો સહિત પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગેમલસિંહ પરમારની થયેલી હત્યાના બનાવે મુજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. ગેમલસિંહની હત્યા કયા કારણોસર થઇ શકે છે, તે અંગે પરિવારજનો દ્વારા પણ હજુ સુધી કોઇ માહિતી પોલીસને આપવામાં આવી નથી.