- અત્યાર સુધી ૨૦ શાળાઓ બંધ કરી અને માત્ર પાંચ નવી શાળા બની..!
- પાલિકામાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર અને એન્જીનીયર જેવા સુસીક્ષિત પદાધિકારીઓ આવી ગયા પરંતુ એક પણ શાળા ના બનાવી.?
વડોદરા શહેરમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના બાદ સફાળા જાગેલા નિંદ્રાધીન પાલિકાના શાશકો અને અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. પાલિકાએ શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત બાર જેટલી જર્જરીત શાળાઓને તાત્કાલિક બંધ કરવાની નોટિસ ફટાકરી છે. જો કે વૈકલ્પિક વ્યવસ્થા માટે પાલિકાએ નક્કર આયોજન કર્યું નથી.
ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવામાં અવ્વલ નંબરે આવતા પાલિકાના શાસકો અને અધિકારીઓ કોઈ દુર્ઘટના બંને ત્યાર બાદ જ એક્શનમાં આવવા ટેવાયેલા છે. તાજેતરમાં હોડી દુર્ઘટના બાદ સફાળા જાગેલા પાલિકા તંત્ર એ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત જર્જરીત શાળાઓ બંધ કરવાના આદેશ કર્યા છે. અહીં મહત્વનું એ છે કે કોઈ પણ શાળા બંધ કરવાના આદેશ બાદ તેના એક માત્ર વિકલ્પ તરીકે જે તે શાળાના બાળકો ને અન્ય શાળા માં ખસેડવામાં આવે છે. અન્ય શાળા બંધ કરવામાં આવેલી શાળા કરતા લાંબા અંતરે હોવાથી બાળકોને આવવા જવામાં દૂર પડે છે. આથી વિશેષ તોડી પાડેલી ભયજનક શાળાઓના સ્થાને નવી ઇમારત બનાવતા પાલિકાના કહેવાતા કુશળ વહીવટને વર્ષોથી લાગી જાય છે. ફતેપુરાની આ પ્રાથમિક શાળાત્રણ વર્ષ અગાઉ તોડી પાડવામાં આવી હતી, જેનું કામ છ માસ અગાઉ જ શરૂ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવી શાળામાં ભણતા ગરીબ બાળકોને અંદાજે બે થી ત્રણ કિલોમીટર દૂર આવેલી શાળાઓમાં ખસેડવામાં આવે ત્યારે એમના માટે જવુ આવવું કાઠુ પડી જાય એ સ્વાભિવિક છે. એક શાળામાં અંદાજે ૧૫૦ જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. અધવચ્ચે શાળા બંધ કરવાથી જે શાળામાં વિદ્યાર્થીઓ તબદીલ કરવામાં આવે છે એ શાળાને આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સમાવવા મુશ્કેલીઓ ઉભી થાય એ પણ સ્વાભાવિક છે.
તમને જાણી ને નવાઈ લાગશે કે પાલિકાએ અત્યાર સુધીમાં ૨૦ જેટલી શાળાઓ બંધ કરી પરંતુ એક પણ શાળા નવી બનાવી નથી. રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પાંચ જેટલી શાળાઓ નવી બની છે. તો શું પાલિકા નવી શાળા બાંધી ના શકે ? પાલિકામાં છેલ્લા ૨૮ વર્ષના શાશનમાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર, એન્જીનીયર અને અન્ય ઉચ્ચતર ડિગ્રી ધરાવતા નેતાઓ શાશન ચલાવી ચુક્યા છે. તો શું એમણે ભણતરના મહત્વનું જ્ઞાન નહીં હોય ? ટૂંકમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારવામાં આવે તો જ શાશન શુશાશન કહેવાય..