વડોદરા શહેરના રાત્રિ બજારમાં મર્યાદા કરતા વધારે માત્રામાં ટેબલ-ખુરશીઓ મુકવામાં આવતા પાલિકાએ 31 દુકાનોને નોટિસ ફટકારી છે. જેથી રાત્રિ બજારના વેપારીઓ આજે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ભાજપના હોદ્દેદારો અને સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરી હતી અને નોટિસ પાછી ખેંચવાની માંગણી કરી હતી. આ સાથે જ વેપારીઓએ સુધારા-વધારા કરવાની તૈયારી પણ બતાવી છે.
રાત્રિ બજારના વેપારી દીપુભાઇ મોટીયાનીએ જણાવ્યું હતું કે, રાત્રિ બજારમાં આડેધડ ટેબલ-ખુરશીઓ મૂકવાને લઇને વડોદરા કોર્પોરેશને રાત્રિ બજારની 31 દુકાનો બંધ રાખવા માટે નોટિસ આપી છે. અમે સુધારા-વધારા કરવા તૈયાર છીએ, પરંતુ દુકાનો બંધ કરાવે તે યોગ્ય નથી. અમે દુકાન દીઠ વાર્ષિક 4થી લઇને 7 લાખ રૂપિયા સુધીનું ભાડું ચૂકવીએ છીએ અને 200થી વધુ પરિવારો રાત્રિ બજાર પર નિર્ભર છે. અમારી દુકાનો બંધ કરાવતા અમે રોડ પર આવી જઈશું. જેથી અમે આજે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ.
વેપારી લલિતાબેન રાણાએ જણાવ્યું હતું કે, પાલિકાએ રાત્રિ બજારમાં અમને નોટિસો આપી તેને તાત્કાલિક પાછી ખેંચી લેવા માટેની અમારી માંગણી છે. તહેવારોમાં અમારે કમાવવાનો સમય છે અને આવા સમયે અમારી દુકાનો બંધ કરાવે તે યોગ્ય નથી. રાત્રિ બજારમાં 125 જેટલી મહિલાઓ સહિત 1 હજાર જેટલા લોકો કામ કરે છે. અમારો કોઇ ગુનો હોય કો તમે કહો, તો અમે સુધારી લઇશું. અમારી સાથે ન્યાય નથી થઈ રહ્યો, અમને ન્યાય મળવો જોઇએ. એક તરફ રોજગાર આપવાની વાતો થાય છે અને બીજી તરફ અમારો રોજગાર છીનવાઇ રહ્યો છે.
વડોદરા પાલિકા સ્થાયી સમિતિના ચેરમેન શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાત્રિ બજારમાં મર્યાદા કરતા વધારે ટેબલ-ખુરશી મૂકવામાં આવતા પાલિકાએ નોટિસ આપી છે. તેઓ નિયમોનું પાલન કરશે, તો રાત્રિ બજાર ચાલુ રહેશે. કોઇ આકસ્મિક સંજોગોમાં કોર્પોરેશનનો સ્ટાફ કામગીરી કરી શકે તે માટેની નોટિસ આપી છે. આ બાબતોની પૂર્તતા થતાં ફરી રાત્રિ બજાર ચાલુ કરી દેવામાં આવશે.