- ઝડપથી મોટા થતા કોનોકાર્પસ થી શાસકોનો મોહ કોઈને ભોગ લેશે..?
- પાલિકા વર્ષે દહાડે ઝાડ અને છોડ ટ્રીમિંગ પાછળ રૂપિયા બે કરોડ ખર્ચે છે..!
વડોદરા મહાનગર પાલિકાએ સાત વર્ષ અગાઉ કરેલી ભૂલના કારણે વાહન ચાલકો માટે આજે પણ અકસ્માત નું જોખમ યથાવત છે. જો કે જાડી ચામડીના શાસકોની આંખ ઉઘડતી નથી.
વડોદરા મહાનગર પાલિકાના વિકાસની અવદશા અંગે રાજ્યના મુખ્યમંત્રી ચિંતા કરી ચુક્યા છે.
શાસકો શહેરીજનોને સુખાકારીની વાતો જરૂર કરે છે, પરંતુ માત્ર કાગળ પર.. પાલિકાના વહીવટી તંત્રએ તત્કાલીન શાસકોની મંજૂરીથી શહેર સુશોભીત કરવાના દાવા સાથે કરોડો રૂપિયાના ખર્ચે ડીવાઈડરો પર કોનોકાર્પસના છોડ ઉગાડ્યા. કોઈ પણ જાતનો લાંબો વિચાર કર્યા વગર ઉગાડેલા કોનોકાર્પસના છોડ છેલ્લા સાત વર્ષથી વાહન ચાલકો માટે સતત અકસ્માતનું જોખમ ઉભું કરે છે. સડક પર ડીવાઈડરના કટ પરથી ટર્ન થતા વાહન ચાલકોને સામેથી આવતા વાહનો દેખાતા નથી. એવી જ રીતે ટર્ન મારતા વાહન સીધા જતાં વાહન ચાલકોને દેખાતા નથી. કોનોકાર્પસ ના છોડ બમણી ગતીએ મોટા થાય છે. ટ્રીમિંગ કરવાના ગણતરીના દીવસોમાં જ મોટા થઈ જાય છે. તમને જાણી ને નવાઈ લાગશે કે પાલિકા કોનોકાર્પસ સહિત અન્ય ઝાડ ટ્રીમિંગ કરવા પાછળ વર્ષે દહાડે રૂપિયા બે કરોડ ખર્ચે છે. વિકાસની મોટી મોટી વાતો કરતા શાસકો પાસે શું કોનોકાર્પસ નો કોઈ તોડ નથી ? શું છોડ ટ્રીમિંગ કરવાના નામે આવી જ રીતે જ નાણાં બરબાદ થતા રહેશે ? શું શહેરીજનો ના માથે સડકો પર અકસ્માતનું જોખમ યથાવત રહેશે ? કોનોકાર્પસ માનવ જીવન માટે અનિવાર્ય છે ? ભૂતકાળમાં થયેલી ભૂલનું જ્ઞાન લાધ્યા બાદ તેને સુધારવાની જરૂર નથી ?
આવા અનેક સવાલો શાસકોના વિકાસના દાવાની પોલ ખોલે છે.