- આગામી દિવસોમાં વીસીસીઆઇ લેખિતમાં પ્રશ્નો અને તકલીફોની રજૂઆત લઈ તંત્રને જગાડવા માટે ઉદ્યોગકારો સાથે ગાંધી ચીંધ્યા માર્ગે હક માટે ચળવળ હાથ ધરશે
વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અખબારી યાદીમાં જણાવે છે કે, શહેરમાં વર્ષ ૧૯૬૮માં મકરપુરા જીઆઇડીસી અંતર્ગત નાના અને મધ્યમ કદના ઉદ્યોગો કાર્યરત થયા અને સતત વડોદરાના વિકાસમાં બહુમૂલ્ય ફાળો મકરપુરા જીઆઇડીસી સ્થિત કાર્યરત ૪૦૦૦થી વધુ ઉદ્યોગો આપતા રહ્યા છે. જે ગુજરાતના વિકાસમાં સહભાગી થઈ દેશના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. કોઈપણ ઉધોગ માટેની પાયાની જરૂરિયાતો ગણાય છે પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ અને રસ્તાઓ. આ તમામ પાયાની જરૂરિયાતો મકરપુરા જીઆઇડીસીમાં મળી રહે તે બાબતે વખતો-વખતથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ગવર્મેન્ટમાં રજૂઆતો કર્યા પછી પણ સતત તંત્ર જીઆઇડીસી ઉદ્યોગકારોની જરૂરિયાતને ધ્યાનમાં લઇ સુદ્રઢ કામગીરી કરવા માટે માટે દુર્લક્ષ સેવે છે.
તંત્રનું આવું ઉદાસીન વલણમાં સવાલ એ છે કે, શું જીઆઇડીસી મકરપુરાના ઉદ્યોગો મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ નથી ભરતા? અહીંના ઉદ્યોગો એમના ભરેલા ટેક્સની સામે પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે હકદાર નથી? ઉદ્યોગકારોની માંગણી ગેર વ્યાજબી છે? ઉદ્યોગકારોનો વડોદરા શહેરના વિકાસમાં કોઈ યોગદાન નથી? તંત્રનું વલણ વ્યાજબી કહેવાય વીસીસીઆઈ દ્વારા કોર્પોરેશન તંત્ર તેમજ ઉચ્ચસ્તરે વખતો-વખત રજૂઆત કરવા છતાં પણ ઉધોગોના હિત તથા વિકાસ માટે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં કેમ નથી આવતા? હવે સમય આવી ગયો છે કે, તંત્રને જાગૃત કરવા માટે મકરપુરા જીઆઇડીસી સ્થિત ઉદ્યોગો પાસેથી તેમને અનુભવાતી અસુવિધાઓ અને પ્રશ્નોને એક ફોર્મ મોકલીને લેખિતમાં મંગાવવાની પહેલ આજે વીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે. સદર પ્રશ્નો અને તકલીફોની રજૂઆત વીસીસીઆઈ ઘણા વર્ષોથી કરતું આવ્યું છે અને હવે દરેક ઉદ્યોગકારો પાસે લેખિતમાં પ્રશ્નો અને તકલીફોની રજૂઆત લઈ આગળના દિવસોમાં તંત્રને જગાડવા માટે વીસીસીઆઇ જીઆઇડીસી મકરપુરાના ઉદ્યોગો ગાંધી ચીંધ્યા માર્ગે ઉદ્યોગોના હક માટેની ચળવળ હાથ ધરશે.