કરજણના જીથરડી ગામ પાસે ટેમ્પોચાલકે બાઇક સવાર દપતિને અડફેટે લેતા પતિનું સ્થળ પર મોત

મેથી ગામે રહેતા મહેશભાઇ પ્રજાપતિ પત્ની-પુત્ર સાથે જંબુસર નજીક વહેરમ ગામેથી પરત ફરતા હતા

MailVadodara.com - The-husband-died-on-the-spot-when-a-tempo-driver-hit-the-couple-riding-a-bike-near-Jithardi-village-in-Karajan

- પત્ની-પૌત્રને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

- પરિવારને વિખેરી નાખનાર ફરાર ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી

વડોદરાના કરજણ તાલુકા નજીક જીથરડી ગામ પાસે બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પતિનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને પૌત્રને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ બનાવ અંગે પરિવારને વિખેરી નાખનાર ફરાર ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના મેથી ગામના રહેવાસી 56 વર્ષીય મહેશભાઈ મયજીભાઈ પ્રજાપતિ, પત્ની લીલાબેન અને પૌત્ર યુવરાજ સાથે મોટરસાઇકલ પર જંબુસર નજીક વહેરમ ગામે જમીનના કામ માટે ગયા હતા. કામ પતાવી તેઓ મેથી ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કરજણ નજીક જીથરડી ગામની સીમમાંથી પસાર થતા કરજણથી કુરાલી રોડ ઉપર શિવમ કોટન મીલ નજીક પાછળથી પૂરઝડપે આવી રહેલા આઇસર ટેમ્પો ચાલકે મહેશભાઈની મોટર સાયકલને અડફેટે લીધી હતી.

ટેમ્પોની જોરદાર ટક્કર વાગતા જ બાઇક ચાલક મહેશભાઈ ટેમ્પાના ટાયર નીચે આવી જતા તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અને પૌત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ બોલાવી કરજણ હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા. જોકે, લોકો સ્થળ પર આવે તે પહેલાં ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન આ બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

જીથરડી ગામ પાસે બનેલા આ બનાવને પગલે વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. તો બીજીબાજુ મેથી ગામ મહેશભાઇ પ્રજાપતિના મોતથી શોકમાં ગરકાવ થઇ ગયું હતું. આ બનાવ અંગે કરજણ પોલીસે ટેમ્પો ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી.

Share :

Leave a Comments