- ગરીબોએ જર્જરિત મકાનો અંગે રજુઆત કરી તો પાલિકાએ હપ્તા ભરવાની નોટિસ ફટકારી..!!
- ભૂતકાળમાં માધવનગર ની દુર્ઘટના માં ૧૧ નિર્દોષ ગરીબોએ જીવ ગુમાવ્યો હતો..!!
વડોદરા મહાનગર પાલિકાએ વાઘોડિયા રોડ પર ગરીબો માટે બનાવેલા આવાસો માત્ર દશ વર્ષમાં ખખડધજ થઈ ગયા છે. અહીં રહેતાં ગરીબ પરિવારો માટે આ આવાસો જીવનું જોખમ સાબિત થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા જીવણ નગરમાં ગરીબ પરિવારો પાલિકાએ બનાવેલા આવાસોમાં રહે છે. આ પરિવારોનું માનીયે તો આવાસો દશ વર્ષ પહેલા જ બન્યા છે. જો કે દશ વર્ષમાં આવાસોની હાલત જર્જરીત થઈ ગઈ છે. પાલિકાના આવાસોની છત ના પોપડા ખરી રહ્યા છે અને સ્લેબના સળીયા દેખાઈ રહ્યા છે. સીલિંગમાંથી પાણી ટપકી રહ્યું છે તો દીવાલો પર તિરાડ પડી છે. આવી કફોડી સ્થિતિમાં રહેતાં રહીશોએ પાલિકા સામે મોરચો માંડ્યો હતો. દેખાવો કરી પાલિકાની વડી કચેરીએ રજુઆત કરી હતી.
રહીશોની રજુઆત અંગે પાલિકાના ડે. કમિશનર અર્પિત સાગરે તપાસ કરાવવાની ખાત્રી આપી હતી.
- પટાવાળાએ અધિકારીનું કામ કર્યું, એક મકાન પર નિર્ભયતા શાખાની નોટિસ ચોંટાડી દીધી
જીવણ નગરના રહીશો રજુઆત કરવા આવ્યા તે પહેલા તે પહેલા તેમના મકાનના બાકી પડતા હપ્તા ભરવા નોટિસ આપવામાં આવી હતી. જો કે રહીશોનું કહેવું છે કે અમે હપ્તા ભરવા તૈયાર છીએ પરંતુ આવા મકાનમાં રહેવું કેવી રીતે ?
બીજી તરફ જીવણ નગરના આવસો પૈકી બે થી ત્રણ ફ્લેટ પર લાગેલી નિર્ભય શાખાની નોટિસે રહીશો માટે ચિંતા વધારી હતી. પાલિકા તરફથી ચોથા માળે આવેલા લીલાબેન પવારના મકાન પર નિર્ભયતા શાખાની નોટિસ ચોટાડવામાં આવી છે. આ નોટિસ મુજબ તો આ ઘર રહેવા લાયક નથી. આ નોટિસથી પાલિકાની કામગીરી સામે સવાલ એ ઉભો થાય છે કે એક બિલ્ડીંગ ના ચોથા માળે આવેલા ચાર પૈકી એક ફ્લેટ રહેવા લાયક નથી તો બાકી ના ત્રણ ફ્લેટ રહેવા લાયક છે એવુ કેવી રીતે કહેવાય ? કારણ કે ચારેય ફ્લેટનો સ્લેબ એક જ છે અને દીવાલો પણ કોમન છે, એવામાં જો એક ફ્લેટને નુકસાન થાય તો બાકીના ત્રણ ફ્લેટ અડીખમ કેવી રીતે રહે ? પાલિકાના આવા અણધણ ગણિત અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે નિર્ભયતા શાખાના પટાવાળાએ આ નોટિસ ચોંટાડી હતી. ખરેખર આ નોટિસ કોઈ બીજી જગ્યાએ લગાવવાની હતી અને પટાવાળો આ નોટિસ આવાસો માં લગાવી આવ્યો. તો અહીં સવાલ એ છે કે શું અધિકારીઓએ કરવાનું કામ પટાવાળા કરે છે ? આવાસોની જર્જરીત હાલત શું પાલિકાના ભ્રષ્ટ વહીવટનો બોલતો પુરાવો નથી ?