- કારેલીબાગ વિસ્તારમાં આવેલું પૌરાણિક બહુચરાજી મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે સવારે છ કલાકથી ખોલી દેવામાં આવશે
આજે મા શક્તિની ભક્તિ અને ઉત્સાહના પર્વ નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના નોરતાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે જગતજનની ઉપાસનાના આ પવિત્ર પર્વ નિમિત્તે ઘટસ્થાપન મુહુર્ત સવારે 6.23 વાગ્યા 10.18 સુધીનું છે. જ્યારે પ્રતિપદા તિથિ બપોરે 12.19 સુધી રહેશે. શહેરના કારેલીબાગ ખાતે આવેલા બહુચરાજી મંદિર ખાતે મંદિરના તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરમાં માતાજીના દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલું પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે સામાન્ય દિવસો તેમજ તહેવારોમાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં પણ ખાસ કરીને નવરાત્રી જેવા મહાપર્વને લઈને આ મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે મંદિરે દર્શનાર્થે આવતા માઇભક્તો કતારમાં ઊભા રહીને શાંતિપૂર્વક રીતે માતાજીના દર્શન કરી શકે તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ વરસાદ દરમિયાન મંદિરના પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તેનું પણ આયોજન કર્યું છે. મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે સવારે છ કલાકથી ખોલી દેવામાં આવશે. માતાજીના દર્શન રાત્રીના 10 વાગ્યા સુધી કરી શકશે. આ સાથે જ મંદિરમાં લાઈટ તેમજ ભક્તો માટે પીવાની પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંદિરને ફૂલો અને લાઇટિંગથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં પણ રોશનીની સજાવટ કરવામાં આવી છે.
નવરાત્રિના દિવસોમાં આઠમના દિવસે હવન કરવાની પણ ખાસ તૈયારી કરી દેવામાં આવી છે. જેના માટે મંદિર પરિસરમાં હવન કુંડ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આજે વહેલી સવારથી બહુચરાજી માતાના મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માઇ ભક્તોએ બહુચર માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના નાના-મોટા સહિત તમામ માઇ મંદિરોમાં માઈભક્તોની ભીડ સવારથી જ જોવા મળી હતી. શહેર નજીક આવેલા રણુ ગામના તુલજા ભવાની મંદિરે નવરાત્રી નિમિત્તે પ્રતિ વર્ષ મેળો ભરાય છે. મંદિરે માતાજીના દર્શનાર્થે આવતા માઈ ભક્તો આ મેળાનો અચૂક લાભ લેતા હોય છે. આવી જ રીતે શહેર નજીક પાવાગઢ ખાતે આવેલા મહાકાળી મંદિરે પણ નવરાત્રીના નવે નવ દિવસ માઈ ભક્તો માતાજીની ભક્તિ આરાધના અંગે ઉમટશે પ્રતિદિન એકાદ લાખ માઈ ભક્તો આરાધના કરશે. શહેરના ઇલોરાપાર્ક ખાતે વહાણવટી માતાજીના મંદિર સહિત કારેલીબાગ, બહુચરાજી બહુચરાજી મંદિરે માઇ ભક્તો ભક્તિ આરાધનામાં તરબોળ થશે. આ મંદિર આસપાસ પ્રતિ વર્ષ પૂજાપાના તથા ખાણીપીણીની લારીઓ સહિત રમકડાના સ્ટોલ પણ હંગામી ધોરણે ઊભા થતાં મેળા જેવું દ્રશ્ય સર્જાય છે.
આઠમ નિમિત્તે હવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટતા ભક્તજનો ઉમટતા હોવાથી મંદિરની બંને બાજુનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે. શહેરના ઘડીયાળી પોળ અંબા માતાના મંદિરે નવરાત્રીમાં પુરુષોના અનોખા ગરબા યોજાય છે. માંડવી ખાતે ટાવર નીચે આવેલા મેલડી માતાના મંદિર સહિત બેંક રોડ મહાલક્ષ્મી માતાજી વિઠ્ઠલ મંદિરના ખાંચામાં મહાકાળી માતાજી મંદિર, ખંડેરાવ માર્કેટ ખાતે વેરાઈ માતાજી એવી જ રીતે હુજરાત પાગા ખાતે હિંગળાજ માતા, તથા માર્કેટ સ્થિત જય રત્ના બિલ્ડીંગ પાસે બોલાઈ માતા સહિતના નાના-મોટા અનેક માઇ મંદિરોએ નવરાત્રીના તમામ દિવસ સહિત કાયમી રીતે જુદા જુદા નૈવેદ્ય ધરાવાય છે. નવરાત્રી નિમિત્તે માતાજીના ફૂલોના શણગાર સહિત ફૂલ તથા ફળફળાદીના ભાવ પણ અન્ય દિવસોના પ્રમાણમાં વધ્યા છે. નવરાત્રીના તમામ દિવસો દરમિયાન અનેક માંઈ ભક્તો ઉપવાસ કરીને માતાજીની અનોખી ભક્તિ કરે છે.