- જિલ્લા ભાજપમાં ‘દુશ્મન કા દુશ્મન દોસ્ત’ નું રાજકારણ હાઈ કમાન્ડ માટે માથાનો દુખાવો..!
વડોદરા ભાજપમાં અનિશ્ચિતાનું રાજકારણ પાયાના કાર્યકરો માટે મૂંઝવણ ઉભું કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જ્યોતિ બેન પંડ્યાના વિરોધ બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના હાઈ વોલ્ટેજ ડ્રામાએ વડોદરાના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે.
વડોદરા ભાજપ માટે છેલ્લા ૨૫ વર્ષથી મજબૂત ગઢ ગણાય છે. અહીં શહેરની પાંચ વિધાનસભા બેઠકો અને લોકસભાની એક બેઠક માટે એવુ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને પક્ષ પસંદ કરે અને ઉમેદવાર બનાવે એ સમય થી જ તેનો વિજય નિશ્ચિત છે. ભાજપની ટિકિટ મળે એટલે ઉમેદવાર ધારાસભ્ય બની ગયો એવુ માની લેવાય છે અને એવુ જ સાંસદ પદના ઉમેદવાર માટે કહેવાય છે. વડોદરાની બેઠકો માટે ઉમેદવારની જાહેરાત થાય એટલે એક એક કાર્યકર અને નેતાઓ તેને જીતાડવા કામે લાગી જાય છે. જો કે તાજેતરમાં લોકસભાની ચૂંટણી પૂર્વે જે રીતે પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ વિરોધ કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમના વિરોધ પાછળ ઉમેદવારની પસંદગીનું કારણ રજૂ કર્યું. જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવાના ગણતરીના દિવસોમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી શીશ નેતૃત્વને ચોકાવી દીધા. કેતન ઇનામદારે પાયાના કાર્યકરોની ઉપેક્ષાથી નારાજગીનું કારણ આગળ ધરી રાજીનામું આપ્યું. જો કે ગણતરીના કલાકોમા જ કેતને ભૂતકાળનું પુનરાવર્તન કરી રાજીનામુ પાછુ ખેંચી લીધું હતું. ભાજપની શાખની વિશ્વની ફલક પર નોંધ લેવાય છે ત્યારે એકાદ બે રાજીનામાં પદે તો ઝાઝો ફરક પડતો નથી. પરંતુ જ્યારે પક્ષમા શિસ્તને પ્રાધન્યતા આપવામાં આવતી હોય ત્યારે આવા રાજીનામા અને રાજીનામુ પાછુ ખેંચાવવું પડે એ શિસ્ત માટે પડકારની શરૂઆત ના કહેવાય ? વડોદરા ભાજપનો ગઢ છે ત્યારે મજબૂત ગઢના કાગરા ખરવાની શરૂઆતની સૌથી પહેલી અસર પાયાના કાર્યકરોના મગજ પર થાય છે. એક સમયે મુખ્યમંત્રી વડોદરા ના વિકાસ અંગે સવાલો ઉઠાવી આંતરિક જૂથ બંધી તરફ ઈશારો કરી ચુક્યા છે. હાલમાં જે ચાલી રહ્યું છે એનાથી કાર્યકરો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. આવા રાજીનામાં આંતરિક ઉકળતા ચરું માટે તણખલાનું કામ કરી વેગ આપી શકે છે. પક્ષના અસ્તિત્વ અને મજબૂતાઈ માટે એક એક કાર્યકરોનું યોગદાન જરૂરી છે. કૉંગેસના પતન માટે સૌથી મોટુ કોઈ કારણ હોય તો તે પાયાના કાર્યકરોની ઉપેક્ષા. કાર્યકરો જ પક્ષનો પાયો છે. પક્ષના કાર્યકરોનો આત્મવિશ્વાસ ટકી રહે તો જ પક્ષના પાયા મજબૂત રહે છે. જો કે પક્ષનું શીશ નેતૃત્વ આવા સમયે ઘી ના ઠામ માં ઘી ઢાળવાની ત્રેવડ ધરાવે છે.