- સ્વચ્છતાનો અભાવ હોય ત્યાં શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ પણ આપવામાં આવી
વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખા દ્વારા હાલમાં ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ તેમજ રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને આરોગ્ય બાબતે શહેરીજનો સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરાળી લોટ, મિઠાઇ, ફરસાણ તેમજ રો-મટીરીયલનું વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. આ કામગીરીમાં વેચાણ કરતા ઉત્પાદક, મોલ, મિઠાઇ-ફરસાણની દુકાનોમાં ઇન્સ્પેકશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખોરાક શાખાનાં ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરાળી લોટ, મીઠાઇ, ફરસાણ તેમજ રો-મટીરીયલનાં ઉત્પાદક, મોલ, મીઠાઇ-ફરસાણની દુકામાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ખોરાક શાખાની ટીમ દ્વારા 126 નમૂના લેવામાં આવ્યા હતા
ખોરાક શાખામાં ફૂડ સેફ્ટી ઓફિસરોની જુદી-જુદી ટીમો બનાવી વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના દાંડિયા બજાર, કારેલીબાગ, જેતલપુર રોડ, અલકાપુરી, વૃંદાવન ચાર રસ્તા, સમા રોડ, ફતેગંજ, માંજલપુર, ભાયલી, હરણી રોડ, ઉમા ચાર રસ્તા જેવા વિસ્તારોમાં ઈન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન લસણ મિક્સ ચવાણુ, કેસરી પેંડા, ખોયા (લૂઝ), કેસર પેંડા, કેસરી મલાઇ પેંડા, પીસ્તા બરફી, ઘેવર, ચોકલેટ બુંદી, કાજુ કતરી, બેસન (લૂઝ), કેરારી કતરી, કેસરી ફ્રુટ રોલ, ઘી, રાજગરાનો લોટ, મોરીયાનો લોટ, શીંગોડાનો લોટના 126 જેટલા નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
લોકોની આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રુલ્સ અને રેગ્યુલેશન-2011 અંતર્ગત સઘન ચેકીંગની કામગીરી સાથે શંકાસ્પદ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જરૂરિયાત પ્રમાણે જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય ત્યાં શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા અવાર નવાર સેમ્પલો લઈ કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ, આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ કામગીરી બાદ શંકાસ્પદ લેવામાં આવેલા નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે પરંતુ, તેના પરિણામ લેટ આવવાના કારણે પ્રજા આ પ્રકારનો ખોરાક આરોગી બીમાર થાય છે ત્યારે આ કામગીરી ઝડપી બને અને તાત્કાલિક ધોરણે કામગીરી થાય તો આરોગ્યની સુખાકારી લોકો અનુભવી શકે છે.