- દર મહિને પાલિકામાં અધિકારીઓ સાથે સંકલન ની બેઠકો યોજતા ધારાસભ્યો અને સાંસદ અંધારામાં કે આંખ આડા કાન..?
- છાશવારે જાત-જાત ના એવોર્ડ લઈ આવતા શાશકોએ કોન્ટ્રકટરને ૩૦-૩૦ નોટિસો આપી વિક્રમ સર્જ્યો..!!
પાલિકાને કરોડો રૂપિયાનું નુકશાન કરનારા કોન્ટ્રાકટર સામે શાસકો અને અધિકારીઓ જાણે નતમસ્તક થઈ ગયા છે. આજવા થી નિમેટા સુધી પીવાના પાણીની લાઈન નાખવાનું કામ અધુરુ છોડીને જતાં રહેલા કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરતાં પાલિકાના અધિકારીઓના હાથ ધ્રુજે છે.
- આજવાથી નિમેટા પીવાના પાણીની લાઈન બદલવાનું કામ વેલજી રતન સોરઠીયા અધૂરું મુકી જતો રહ્યો
વડોદરા શહેરના આદ્ય સ્થાપક સર સયાજીરાવ ગાયકવાડે શહેર માટે પીવાના પાણીની ઉત્કૃષ્ટ વ્યવસ્થા આજ થી ૧૩૦ વર્ષ પહેલા ગોઠવી હતી. કુદરતી સિદ્ધાંત ને ધ્યાને લઈને ગોઠવાયેલી આ વ્યવસ્થામાં વગર મશીનરીએ શહેરીજનોના ઘરમાં પીવાનું પાણી પુરતા પ્રેશરથી આવતું હતું. જો કે ૧૩૦ વર્ષથી ચાલી આવતા સફળ આયોજન માં આજના નિષ્ફ્ળ વહીવટ પર પકડ ગુમાવી ચૂકેલા શાસકોને ખામી જણાઈ આવી અને જૂની લાઈન બદલી નવી લાઈન નાખવાનો નિર્ણય લેવાયો. આજવા સરોવરથી નિમેટા સુધી ૮.૮ કિલોમીટર ની પાઇપ લાઈન બદલવાના અંદાજ રૂપિયા ૬૮ કરોડ લગાવવામાં આવ્યો.
- રૂ.૬૮ કરોડના કામ અધૂરા કામમાં પાલિકાએ રૂ.૧૧ કરોડ ચુકવી પણ દીધા..
આ કામ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ વેલજી રતન સોરઠીયા નામના કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યો હતો. આ કામમાં ૫૦ એમ. એલ. ડી.ના ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. આ કામ વેલજી રતન સોરઠીયાએ ૨૧ એપ્રિલ ૨૦૨૨ ના રોજ પુરુ કરી દેવાનું હતું. જો કે કોન્ટ્રાકટરે દોઢ વર્ષમાં માત્ર ૨.૨ કિલોમીટર જેટલું જ કામ પુરુ કર્યું હતું. જેની સામે સ્માર્ટ તંત્રએ તેને ૧૧ થી ૧૨ કરોડ ચૂકવી દીધા. પ્રાથમિક સુવિધામાં સમાવેશ થતાં પીવાના પાણીનું કામ અટકી પડ્યું. કામ છોડીને જતાં રહેલા કોન્ટ્રાકટર સામે તંત્ર લાચાર હોય તેમ છેલ્લા એક વર્ષથી કોન્ટ્રકટરને નોટિસો આપી અધિકારીઓ સંતોષ માણી રહ્યા છે. તમને જાણી ને નવાઈ લાગશે કે છેલ્લા એક વર્ષ માં પાલિકાએ વેલજી રતન સોરઠીયા ને ૩૦ નોટિસો આપી છે. પાલિકાના ઇતિહાસમાં આ કદાચ વિક્રમ સ્થાપિત થયો હશે કે એક જ કોન્ટ્રાકટરને ૩૦, ૩૦ નોટિસો આપવામાં આવીહોય. સામાન્ય સંજોગોમાં બે કે ત્રણ નોટિસ આપ્યા બાદ બ્લેક લિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે. જો કે અહીં નોટિસો પર નોટિસ આપી સ્માર્ટ તંત્ર જાણે ગર્વ અનુભવી રહ્યું છે. આ બાબતે સવાલો કરતાં પાલિકાના ડે. મેયર નંદાબેન જોષી કાર્યવાહી કરવાનું કહી રહ્યા છે.
અહીં મહત્વનું એ છે કે કોન્ટ્રાકટરે પીવાના પાણીના ફિલ્ટ્રેશન પ્લાન્ટ નું કામ પણ અધુરુ છોડ્યું છે.
પ્રજા માટે પ્રાણ પ્રશ્ન કહેવાતા પીવાના પાણીની લાઈન જ્યાં બદલવાની હતી ત્યાંની પરિસ્થિતિ પણ જોવા જેવી છે.
કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાનું કહેવું છે કે પાલિકાના પાપે પ્રજાના નાણાં આવી જ રીતે વેડફાય છે અને કામો સમયસર થતાં નથી.
સર સયાજીરાવ ગાયકવાડ પ્રજાની સુખાકારી માટે કટિબધ્ધ હતા. તેમણે પાણી ની લાઈન માટે ૧૫૦૦ ડાયામીટરની આ પાઇપો ઉત્તમ ગુણવત્તા જળવાય એ માટે છેક ઇંગ્લેન્ડ થી મંગાવી હતી, જે ૧૩૦ વર્ષ બાદ પણ અડીખમ હતી.
અહીં સવાલ એ છે કે જે કામ એપ્રિલ ૨૦૨૨ માં પુરુ થવાનું હતું એ આજે પણ અધુરુ છે એના માટે જવાબદાર કોણ ? પીવાના પાણી ના પ્રશ્ને સ્માર્ટ શાસકો અને સ્માર્ટતંત્ર ગંભીર કેમ નથી ? શું વેલજી રતન સોરઠીયા ને બ્લેક લિસ્ટ કરવામાં અધિકારીઓના હાથ ધ્રુજે છે ? કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામાં શું કોઈ રાજકીય દબાણ છે ? શું પારદર્શક વહીવટ આવો હોય ? આવા ઘણા સવાલો પાલિકાના નિષ્ફ્ળ વહીવટની ચાડી ખાય છે.