વડોદરા પાલિકામાં ઇ-વાહનો ખરીદવાનું ભૂત ફરી ધૂણ્યું!, વધુ 38 નંગ ઈ-વ્હિકલ ખરીદાશે

પાલિકાએ અગાઉ ખરીદેલી 90થી વધુ ઇ-રીક્ષાઓ બંધ હાલતમાં છે

MailVadodara.com - The-ghost-of-buying-e-vehicles-in-Vadodara-municipality-38-more-e-vehicles-will-be-bought

- અગાઉની ઇ-રિક્ષાઓ મેન્ટેનન્સના અભાવે ભંગાર, ભાવી આયોજન સામે પ્રશ્નાર્થ

વડોદરા કોર્પોરેશન ફરી વખત સફાઈ અને પર્યાવરણના નામે ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી કરવા જઈ રહ્યું છે. ત્યારે અગાઉની માફક આ વાહનો  ભંગાર ન બની જાય તે માટે કોર્પોરેશન પાસે કોઈ ચોક્કસ આયોજન નથી. જેના કારણે ફરી એક વખત ભવિષ્યમાં નુકસાન પહોંચે તેની ભીતિ સેવાઈ રહી છે.

મિશન સ્વચ્છ અંતર્ગત વડોદરા માટે પાલિકાએ અગાઉ ઇ-રીક્ષાઓ ખરીદી હતી. હાલમાં 90થી વધુ બંધ હાલતમાં છે, તો 22 ઇ-રીક્ષાઓ કોર્પોરેશનના વર્કશોપમાં ધૂળ ખાય છે. એન્જિનિયરનું કહેવું છે કે, ઇ-રીક્ષાઓના પાર્ટ્સ સરળતાથી મળતા નથી અને મળે છે તો પોસાય તેમ નથી. મિશન સ્વચ્છ વડોદરા નિર્મલાયમ હેઠળ આ ઇ-રીક્ષાઓ વસાવવામાં આવી હતી. જેની વાસ્તવિકતા આપ નિહાળી શકો છો. ત્યારે ફરી વખત વડોદરા કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રીક વાહનો ખરીદવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 

ચાલુ વર્ષે ઈ-વિહિકલના ઉપયોગથી સાંકડી ગલીઓમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીનું આયોજન હાથ ધર્યું છે. જેથી મિકેનિકલ શાખા માટે વધુ 38 નંગ ઈ-વ્હિકલ ખરીદાશે. આ ઉપરાંત 10 નંગ ઇ કાર ખરીદવાનું પણ આયોજન છે. ત્યારે અગાઉની માફક આ વાહનો ટૂંક સમયમાં ભંગાર ન બની જાય તે માટે કોર્પોરેશન કોઈ ચોક્કસ આયોજન કરે છે કે કેમ? તે જોવું રહ્યું. અત્રે નોંધનીય છે કે, વડોદરા કોર્પોરેશનમાં અનેક વાહનો વ્હિકલ પુલમાં ધૂળ ખાતા પણ નજરે ચડ્યા છે. જેથી કહી શકાય કે, યોગ્ય દેખરેખ  સાથે મેન્ટેનન્સના અભાવે કોર્પોરેશનના વાહનોની આવરદા સીમિત બનતા વાહનો વહેલા ખખડધજ બને છે. પરિણામે કોર્પોરેશનને મોટું નુકસાન પણ પહોંચે છે.

આમ, વડોદરા કોર્પોરેશનમાં વાહનોની જાળવણી અને મેન્ટેનન્સના અભાવે પ્રજાના પરસેવાની કમાણીના નાણાંથી ખરીદેલ વાહનો વહેલા ખખડધજ બનવાની સાથે કોર્પોરેશનને  આર્થિક નુકસાન પહોંચે છે.

Share :

Leave a Comments