- પ્રશાંત પટેલે જણાવ્યું કે, આગામી 17 સપ્ટેમ્બર, વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે હું અને મારા સમર્થકો ભાજપમાં જોડાશું
વડોદરા કોંગ્રેસના પ્રમુખ રૂત્વિજ જોશીના જન્મદિવસે જ પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે બે લીટીનું રાજીનામું પક્ષ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ઉદ્દેશીને લખવામાં આપ્યું છે. પ્રશાંત પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આગામી 17 સપ્ટેમ્બર, વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે હું અને મારા સમર્થકો ભાજપમાં જોડાશું.
હાલ વડોદરાના કોંગ્રેસ પ્રમુખ છે રૂત્વિજ જોશી. આજે તેમના જન્મદિવસે જ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પાર્ટીના તમામ પદ-હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આમ રૂત્વિજ જોશીને પૂર્વ પ્રમુખે બર્થ ડે ની રિટર્ન ગિફ્ટ આપી હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. ટુંક સમયમાં પ્રશાંત પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરિયો ધારણ કરશે. સમગ્ર મામલે પ્રશાંત પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મેં કોંગ્રેસના તમામ સભ્ય પદ સહિત પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. 17, સપ્ટેમ્બરના રોડ વડાપ્રધાન મોદીના જન્મદિવસે મારા કાર્યકરો સાથે ગુજરાતની રાજનિતી તરફ આગળ વધવા માંગે છે. તેમની સાથે હું જોડાવવાનો છું. આવનાર દિવસમાં પ્રજાહિતના કામોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમો આગળ લઇ જવા માંગુ છું. હું કોઇ ચૂંટણી લડવાનો નથી. રાજીનામું આપવાનું કારણ એ છે કે, કોંગ્રેસ સાથે રહીને પ્રજાલક્ષી વિરોધ પણ કર્યા, સરકારના કામો પણ જોયા. પણ મને એ દિવસો યાદ આવે છે, એ યુગ યાદ આવે છે, પહેલા ભારત દેશ પર પહેલા મુગલો, પછી અંગ્રેજો અને પછી કોંગ્રેસ અને હાલ હિંદુત્વનું રાજ ચાલી રહ્યું છે. હિંદુત્વનું રાજ માત્ર હિંદુ માટેનું નથી, તમામ સમાજને ન્યાય મળે છે. મારા અંતરઆત્માએ કહ્યું કે, મારે હિંદુત્વનું રાજ છે, તેમાં એક કાર્યકર તરીકે, જવાબદાર નાગરિક તરીકે જોડાવવું છે. એટલે હું જોડાઇ રહ્યો છું.
વધુમાં તેમણે જણાવ્યું કે, મને કોંગ્રેસના નેતાઓ સાથે જૂના સંબંધો છે. હું કોંગ્રેસના તમામ સભ્યોનો આભાર માનું છું. પણ અત્યારની રાજનિતીમાં મારી અંતરઆત્મા એવું કહે છે કે, મારે ભાજપ સાથે જોડાઇને પ્રજાલક્ષી કામો કરવા છે. હું ભાજપમાં જોડાવવાનો છું. 500 વર્ષ પછી પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વને યાદ કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદીના જન્મદિવસે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો કેસરિયો ધારણ કરશે. તેમાં વડોદરાથી પ્રશાંત પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાશે તેવું અનુમાન છે. જો કે, પ્રશાંત પટેલે લખેલા રાજીનામામાં કારણ અંગે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.