- ભારે જહેમત બાદ વાંદરાને રેસ્ક્યુ કર્યો, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામમાં કપિરાજે 8થી 9 ગ્રામજનો પર હુમલો કરતા આજે વડોદરા વનવિભાગે પાંજરું ગોઠવીને કપિરાજને પાંજરે પૂર્યા હતા. જયારે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામમાં છેલ્લા ઘણા દિવસથી વાંદરાએ તોફાની બનીને ગામમાં આતંક મચાવ્યો હતો. તોફાની વાંદરાએ ગ્રામજનો પર હુમલો કરતા ગ્રામજનોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. ત્યારે ગ્રામજનોએ કપિરાજના આતંકથી છુટકારો મેળવવા વડોદરા વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે વનવિભાગ દ્વારા આતંક મચાવી રહેલા વાંદરાને પાંજરે પુરવા પાંજરું ગોઠવ્યું હતું.
વડોદરા વનવિભાગને કોલ મળ્યો હતો કે, વાઘોડિયા તાલુકાના ગોરાપુરા ગામે એક કપિરાજ ગ્રામજનો પર હુમલો કરે છે અને જેમાં અનેક ગ્રામજનોને કપિરાજે બચકાં ભરતા તેઓ ઇજાગ્રસ્ત પણ થયા છે. જે ફરિયાદના આધારે વડોદરા વનવિભાગના કર્મચારીઓ ગણેશપુરા ગામે પહોંચ્યા હતા અને તોફાની વાંદરાને પકડી પાડવા માટે પાંજરા ગોઠવીને છટકું તૈયાર કર્યું હતું. ગામમાં આતંક મચાવનાર તોફાની વાંદરો વનવિભાગના ગોઠવેલા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાંજરે પુરાયેલા તોફાની વાંદરાની જાેવા ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં વાંદરાનો ખૂબ ત્રાસ હતો. 8થી 9 લોકોને બચકાં ભર્યા હતા. જેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. જેથી ફોરેસ્ટની ટીમે આવીને વાંદરાને પકડી લીઘો છે, જેથી અમે રાહતનો શ્વાસ લીધો છે.
વનવિભાગના કર્મયારી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગત રાત્રે અમને ગામના સરપંચનો ફોન આવ્યો હતો કે, ગામમાં એક વાંદરાએ ઘણા લોકોને કરડીને ઇજા પહોંચાડી છે. જેથી આજે અમે અમારી ટીમના જિગ્નેશ પરમાર, સંદિપ ગુપ્તા અને હરીશભાઈ વાંદરાને પકડવા માટે આવ્યા હતા. ભારે જહેમત બાદ વાંદરાને રેસ્ક્યુ કર્યો છે અને તેને તેના વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે.