- બેંકની ફાયર એક્ઝિટ બંધ હતી, ફાયરના સાધનો હતા, પરંતુ તેનું મેઇન્ટનન્સ થયું નહોતું એનઓસીની તપાસ કરાશે : સબફાયર ઓફિસર
શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાના પહેલા માળે આજે અચાનક આગ ફાટી નિકળી હતી. જેને પગલે કર્મચારીઓ અને ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા સ્ટાફ અને ગ્રાહકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો નહોતો.
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની ઓફિસમાં આજે બુધવારે 11:00 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા વળ્યા હતા. જેના કારણે ઓફિસ ચાલુ હોવાથી બેંકમાં હાજર કર્મચારીઓ અને બેંકમાં વિવિધ કામ અર્થે આવેલા ગ્રાહકોના જીવ પડીકે બંધાયા હતા. બેંકમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો સતત મારો ચલાવીને અડધો કલાકમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમની પ્રાથમિક તપાસ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે બેટરીઓમાં આગ લાગી હતી એવું જાણવા મળ્યું હતું.
સબફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાવપુરા ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં આગ લાગી હતી. કોલ મળતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થળ પર તપાસ કરતા બેંકના પહેલા માળે આગ લાગી હોવાની જાણ થઈ હતી. ધૂમાડો ખૂબ જ હોવાથી આગ ક્યાં લાગી તે વેરિફાઇ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વેન્ટિલેશન કર્યું હતું આગને કાબૂમાં લીધી હતી. મેનેજરના કેબિનમાં નુકસાન થયું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બેંકની ફાયર એક્ઝિટ બંધ કરેલી હતી. ફાયરના સાધનો હતા, પરંતુ તેનું મેઇન્ટનન્સ થયેલું નહોતું. જેથી તેમને સૂચનો આપવામાં આવ્યા છે. એનઓસીની તપાસ કરવામાં આવશે.
બેંક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર અજય કઢુએ જણાવ્યું હતું કે, બેંકિગ શરૂ થયા પહેલા આગ લાગી હતી. જેથી તુરંત જ અમે ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. આગ લાગતા જ કર્મચારીઓ અને સ્ટાફને નીચે ઉતારી દેવામાં આવ્યો હતો. આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે. આગનું કારણ હજી બહાર આવ્યું નથી.