- હાજર ન થનારને યાદીમાંથી રદ કરાશે, 427 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે 554 વર્કરની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મગાવી હતી. આ ભરતીના કેટલાય મહિનાથી વધુનો સમય થયો છતાં હજુ જગ્યાઓ પૂર્ણ થઈ નથી. પસંદગી પામેલ ઉમેદવારો ફરજ પર હાજર થઈ ચૂક્યા છે અને હવે બાકીના ઉમેદવારોની પસંદગી માટે પાંચમી વખત પસંદગી યાદી કોર્પોરેશનની વેબસાઈટ પર મૂકવામાં આવી રહી છે. આ યાદી આગામી 04/10/2024ના રોજ બપોરે 12 કલાકે પાલિકાની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
આ યાદી મુજબ ઉમેદવારોએ આગામી તારીખ 07/10/2024થી 14/10/2024 સુધીમાં તેને ફાળવવામાં આવેલ જે તે કોર્પોરેશનની ઝોન કચેરી ખાતે બાયોલોજીસ્ટ સમક્ષ હાજર થવાનું રહેશે. આ બાબતે કોર્પોરેશન દ્વારા અન્ય રીતે કોઈ જાણ કરવમાં આવશે નહિ. જો તારીખ 14/10/23 સુધીમાં હાજર ન થનારને યાદીમાંથી રદ કરી વેઇટિંગ લિસ્ટમાં અન્ય જે બાકી હશે તેને તરત નિમણૂંક આપી દેવામાં આવશે.
અગાઉ કોર્પોરેશનમાં 554 હેલ્થ વર્કરો માટે કુલ 9,922 અરજીઓ મળી હતી. જેમાં પબ્લિક હેલ્થ વર્કર માટે 4,474 અને પુરૂષ ફિલ્ડ વર્કર માટે 5448 અરજીઓ આવી હતી. જે પૈકી 427 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી. બાદમાં પ્રાથમિક ચકાસણી અને મૂલ્યાંકન પછી જે ઉમેદવારોની અરજીઓ રાખવા યોગ્ય હતી તેના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવ્યા હતા. બાદમાં મેરિટ લિસ્ટ અને પસંદગી યાદી બહાર પાડવામાં આવી હતી.
અત્યાર સુધીમાં પાલિકા દ્વારા આવી ચાર યાદી બહાર પાડી છે. હાલમા આ પાંચમી યાદી જાહેર કરવામા આવી છે, જેમાં હાજર થનાર ઉમેદવારને તરત નિમણૂક આપી દેવામાં આવશે. આ હેલ્થવર્કરો વાહકજન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી માટે ઘરે-ઘરે જઈને દવાનો છંટકાવ, ફોગિંગ કરવું, સર્વે કરવો, સેમ્પલો લેવા, ફીવરનો સર્વે કરવો વગેરેની કામગીરી કરી રહ્યા છે. આ બાબતે આજે પાલિકાએ એક જાહેરાત કરી છે.