- ફાયર વિભાગે પતરા કાપી એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો
વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં સુરત તરફથી અમદાવાદ તરફ જતા એક ટ્રકે પાછળની ટ્રકમાં ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળના ટ્રક ચાલક કેબિનમાં ફસાયો હોવાનો કોલ ફાયર વિભાગને મળતા જ તાત્કાલિક ઘટનાના સ્થળે ટીમ પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી બ્રિજ ઉપર આજે પરોઢિયે અમદાવાદથી સુરત તરફ જતી બે ટ્રક ધડાકાભેર ભટકાતા એક ટ્રકનો ડ્રાઇવર ફસાઈ ગયો હતો. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા પોલીસ દોડી ગઈ હતી. અકસ્માત અંગેનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને મળ્યો હતો. જેમાં સુરતથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં ચાલક કેબીનમાં ફસાયો છે. તેવી માહિતી મળતા જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ ટ્રકમાં ફસાયેલ ડ્રાઇવર મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું છે અને તેનું નામ શિવરાજ શ્રીરામ છે તેઓનું ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ રેસ્ક્યુ કરનારા પાણીગેટ ફાયર સ્ટેશનના સુરેશભાઈ ભાલિયાએ જણાવ્યુ હતુ કે, આ અંગેનો કોલ મળતાની સાથે જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગળની ટ્રકને પાછળથી આવેલી ટ્રેક ટક્કર મારતાં પાછળની ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો. જેને સલામત રીતે બહાર કાઢવો અમારું લક્ષ હતું. અમારી પાસે ફાયરના અત્યાધુનિક અકસ્માતમાં ઉપયોગી સાધનોની મદદથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
વધુમાં જણાવ્યું કે, ફસાયેલ વ્યક્તિ સ્ટેરીંગ અને કેબિનમાં કેટલાંક ભાગમાં ફસાયો હતો અને બચાઓ બચાઓની બૂમો પાડતો હતો. અમે તેને કહ્યુ અમે કામગીરી કરી રહ્યાં છીએ અમે તમને જીવતો બહાર કાઢીશું. ત્યારે એક કલાક સુધી ફાયરના જવાનો સાધનો વડે કેબિનમાં જગ્યા કરી જરૂરી ભાગને કટ કરી ચાલકને જીવતો બહાર કાઢી શહરની સયાજી હોસ્પટલમાં મોકલ્યો હતો.
આ અકસ્માતને લઇ સુરત તરફથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. રેસ્ક્યુ દરમિયાન ટ્રાફિક અડચણરૂપ ન થાય તે માટે વાઘોડિયા બ્રિજ નીચેથી સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપી ટ્રાફિકને હળવું કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં સદ નસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અવાર નવાર આ રીતે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાઈ રહ્યા છે, ત્યારે અકસ્માત ઝોન જાહેર કરી તેના પર યોગ્ય કાર્યવાહી થાય તે લોકોની માંગ છે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા આ બ્રિજ ઉતરતા ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો અને તેમાં પણ કન્ટેનરનો ડ્રાઇવર ફસાતાં ફાયર બ્રિગેડ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.