- મહાકાળી મંદિરની નજીકમાં આવેલા સાઇબાબા મંદિરની દાન પેટી તોડવામાં ચોર ટોળકીને સફળતા ન મળતા ફરાર, પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર મહાકાળી અને સાઈબાબાના મંદિરને ગત મોડી રાત્રે ચોર ટોળકીએ ટાર્ગેટ બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં સિધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી રૂપિયા 25 થી 30,000ની રકમ ચોરી કરી લઈ ગયા હતા. આ ચોર ટોળકી મંદિરના સીસીટીવીમાં કેદ થઈ છે જે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી વિજયનગરમાં રહેતા ધર્મેશ પટેલ (બાંગો) એ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તરસાલીમાં સિદ્ધેશ્વર મહાકાળી મહાદેવનું 35 વર્ષ જુનુ મંદિર આવેલું છે. આ મંદિર ગઈ રાત્રે બંધ કર્યા બાદ ચોર ટોળકીએ મંદિરમાં ઘૂસી જઈ દાન પેટી તોડી રૂપિયા 25થી 30 હજારની દાનની રકમ ચોરી કરી લઈ ગયાનું જણાઈ આવ્યું છે. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેની જાણકારી પોલીસને પણ આપવામાં આવી છે. જે આધારે પોલીસ દ્વારા તપાસ કરી આવી ચોર ટોળકીને પકડી પાડવામાં આવે તે જરૂરી છે.
આ મહાકાળી મંદિરમાં ચોરી થઈ છે જ્યારે નજીકમાં આવેલા સાઇબાબા મંદિરમાં પણ દાન પેટી તોડવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે. જેમાં દાન પેટી તોડવામાં ચોર ટોળકીને સફળતા મળી નહીં અને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.