સિંધરોટ ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને જિલ્લા આરોગ્યની ટીમે ઝડપ્યો

બોગસ ડોક્ટર દાજીપુરા ચોકડી પાસે શોપિંગ સેન્ટરમાં દુકાન ભાડે રાખી દવાખાનું ચલાવતો હતો

MailVadodara.com - The-district-health-team-caught-a-bogus-doctor-running-a-dispensary-without-a-degree-from-Sindhrot-village

- બોગસ તબીબના ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ તેમજ ઇન્જેક્શનોનો જથ્થો કબ્જે કર્યો


શહેરના સિંધરોટ ગામમાં શોપિંગ સેન્ટરમાં દુકાન ભાડે રાખી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડી તાલુકા પોલીસના હવાલે કર્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ તેમજ ઇન્જેક્શનોનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અને આરોગ્ય સબ સેન્ટર સિંધરોટ ખાતે આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલભાઇ માછીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જિલ્લા પંચાયત તરફથી સૂચના મળી હતી કે, આણંદ જિલ્લાના આંકલાવ ખાતે રહેતો સુરેશભાઇ રણછોડભાઇ સિંધરોટ ગામે દાજીપુરા ચોકડી પાસે એક શોપિંગ સેન્ટરમાં દુકાન ભાડે રાખી દવાખાનું ચલાવે છે અને તેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી વગર એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે.


વડોદરા તાલુકા પોલીસ મથકના સ્ટાફે મેડિકલ ટીમને સાથે રાખી દાજીપુરા ચોકડી પાસે આવેલ શોપિંગ સેન્ટરના બીજા નંબરની દુકાનમાં બનાવેલ દવાખાનામાં રેડ કરતા દવાખાનામાં બોગસ તબીબ સુરેશભાઇ રણછોડભાઇ હાજર મળી આવ્યો હતો અને તેને ડોક્ટર ક્યાં છે તેમ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, હું પોતે ડોક્ટર જ છું. જેથી પોલીસે ડોક્ટર તરીકે સેવા આપતા સુરેશ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા કહેતા બોગસ તબીબે પોતાની પાસે પ્રમાણપત્ર કે ડિગ્રી ન હોવાનું જણાવતાં પોલીસે બોગસ તબીબ બની એલોપેથિક મેડિકલ પ્રેક્ટિસ કરતા સુરેશની ધરપકડ કરી હતી અને જુદી-જુદી જાતની દવાઓ, ઇન્જેક્શન તથા ગ્લુકોઝની બોટલો તેમજ એક થેલામાં ડોક્ટરી પ્રેક્ટિસ કરવા માટેના સાધન-સામગ્રી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આસપાસના ગામોમાં ડીગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા બોગસ ડોક્ટરોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. નોંધનીય છે કે, વડોદરા જિલ્લામાં આ બાબતે ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવે તો અનેક બોગસ તબીબો મળી આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments