- ગાયો માટે લીલા અને સૂકા ઘાસનો લાખોનો કોન્ટ્રાકટ, પરંતુ લીલું ઘાસ જોવા મળતું નથી..!!
- રસ્તે રખડતી ગાયો પકડીને ઢોર ડબ્બામાં લઈ ગયા બાદ તેની માવજતમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી જોઈ મેયર પણ સ્તબ્ધ
- ગાયના નામે રાજકારણ રમતા નેતાઓએ એકવાર ઢોર ડબ્બાની મુલાકાત પણ લેવી જાેઇએ...!!
વડોદરા મહાનગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના પાપે ઢોર ડબ્બા મા ગાય ની સાર સંભાળ યોગ્ય રીતે થતી નથી. ખટંબા ખાતે આવેલા ઢોર ડબ્બા મા મૃત ગાય કલાકો સુધી બીનવારસી હોય તેમ પડી રહી હતી.
વડોદરા શહેરના કોર્પોરેશન ના સ્માર્ટ તંત્રના ઘોડા કાગળ પર જ દોડતા હોય છે. પાલિકા દ્વારા રસ્તે રખડતા પશુઓ પકડી ઢોર ડબ્બા મા મોકલી આપવામાં આવે છે. રોડ રસ્તા પરથી પકડેલા પશુઓની સાર સંભાળ રાખવાની જવાબદારી પાલિકાની રહે છે. પરંતુ મૂંગા જાનવર ની સાર સંભાળ રાખવામાં કહેવાતા સ્માર્ટ અધિકારીઓ સદંતર નિષ્ફ્ળ જાય છે.
શહેર બહાર આવેલા ખટંબા સ્થિત ઢોર ડબ્બામાં ગાયની સાર સંભાળ કેવી રીતે રાખવામાં આવે છે એના બોલતા પુરાવા પ્રકાશમાં આવ્યા છે. બપોરના બે વાગે ૪૩ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં આ ગાય કલાકોથી મૃત અવસ્થામાં પડી રહી હતી. મૃત ગાયની આજુબાજુ અન્ય ગાયો ફરી રહી હતી. આ મૃત ગાયથી તેની આજુબાજુ ફરતી ગાયોને ઇન્ફેક્સન ના લાગે ? બીજી એક ગાય આગ ઝરતી ગરમીમાં તડકામાં દાઝે એવી રીતે જમીન પર લાચાર થઈ બેઠી હતી. આ ગાયનો શ્વાસ ફૂલી રહ્યો છે. આ ગાય તરફ ધ્યાન આપવા કોઈ નથી.
અમે તમને એ પણ જણાવી દઈએ કે આ ઢોર ડબ્બા મા ગાયોની દેખરેખ રાખવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. કાગળ પર કોન્ટ્રાકટ મુજબ અહીં ૧૦ માણસો ગાય ની દેખરેખ રાખે છે. ૨૪ કલાક વેટરનીટી ડોક્ટર ઉપલબ્ધ હોય છે. જો આવી વ્યવસ્થા હોય તો ગાય મૃત હાલતમાં કલાકો સુધી બિનવારસી હોય તેમ કેમ પડી રહી છે ? મૃત ગાયથી બીજી ગાયોને ઇન્ફેક્શનનું જોખમ ઉભું થાય ત્યાં સુધી રઝળતી કેમ મુકી રાખવામા આવી ? બીજી ગાયનો શ્વાસ ફુલી રહ્યો છે. આમ છતાં તેને ભગવાન ભરોસે કેમ છોડવામાં આવી ? ફરજ પરના ડોક્ટર અને માણસો ક્યાં ખોવાઈ ગયા ?
ઢોર ડબ્બામાં બેદરકારી અને નિષ્કાળજી કેટલી પરાકાષ્ઠા એ છે એ ત્યાં લાગેલું બોર્ડ પાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારી ની ચાડી ખાઈ રહ્યું છે. આ બોર્ડ પર ઢોર ડબ્બાની માહિતી રોજે રોજ લખવાની હોય છે. જો કે આ બોર્ડ પર ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૨ ની માહિતી લખવામાં આવી છે, જે આઠ માસ જૂની છે. આઠ મહિનાથી આ બોર્ડને કોઈ હાથ લગાવી માહિતી અપડેટ કરવાની તસ્દી સુધ્ધા લીધી નથી. આથી વિશેષ ઢોર ડબ્બામાં ગાયોને સૂકા ઘાસ સાથે લીલુ ઘાસ આપવાનો કોન્ટ્રાકટ અપાયો છે. પરંતુ અહીં લીલું ઘાસ ક્યાંય દેખાતું નથી. હા, લીલા ઘાસના નામે જાડા ગેડા છે એ જોવા મળે છે, જે ગાય ખાતી નથી.
વડોદરા ના પ્રથમ નાગરિક એવા મેયર નિલેષ રાઠોડે જયારે ઢોર ડબ્બામા ચાલતી લાલિયાવાડી વિશે જાણ્યું તો તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી હતી. નિલેષ રાઠોડે જણાવ્યું હતું કે તમારા માધ્યમથી અમને જાણવા મળ્યું છે. અમે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરીશું.
કોંગ્રેસ ઢોર ડબ્બામાં ચાલતી લાલિયાવાડી માટે શાસકો અને અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યું છે. કોંગ્રેસના સિનિયર કાઉન્સીલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનું કહેવું છે કે ગાય માતાના નામે રાજકારણ કરવા કરતાં ગાયની માવજત કરવાની જરૂર છે. પાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે તેનો આ બોલતો પુરાવો છે.
બેદરકારીની પરાકાષ્ટા અંગે ઢોર ડબ્બા ની દેખરેખ રાખતા જવાબદાર અધિકારી ડૉ.વિજય પંચાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે અમારો ફોન રિસીવ કર્યો ન હતો.