- દોઢ માસ પહેલાં પત્નીએ પતિ પાર્થ સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી, વોર્ડ-પ્રમુખે ગૃહકલેશથી ત્રાસી જઇ આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર-18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલનો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. મોતને ભેટેલા વોર્ડ-પ્રમુખે ગૃહકલેશથી ત્રાસી જઇ આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અહી નોંધનીય છે કે, દોઢ માસ પહેલાં પત્ની માંજલપુર પોલીસ મથકમાં પતિ પાર્થ પટેલ વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. જોકે એ સમયે સ્થાનિક કાઉન્સિલર મિત્રોએ દરમિયાનગીરી સમાધાન કરાવી દીધું હતું.
બનાવ અંગે મળતી માહિતી આનુસર, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર-18માં હરિદર્શન રેસિડેન્સી, સાંઇ ચોકડી, માંજલપુરમાં ભાજપ-પ્રમુખ પાર્થ પટેલ પરિવાર સાથે રહેતો હતો. આજે આંકલાવ તાલુકાના ઉમેટા ગામ પાસેથી પસાર થતી મહિ નદી કિનારેથી પાર્થ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ નદીમાં મૃતદેહ જોતા તુરંત આંકલવ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સ્થળ ઉપર પહોંચતા મૃતદેહ બહાર કાઢી તેની તપાસ કરતા ઓળખ છતી થઇ હતી. પોલીસને સ્થળ પરથી એક હેલ્મેટ લટકાવેલું એક્ટિવા પણ મળી આવ્યું હતું.
ઓળખ છતી થતાંની સાથે પોલીસ દ્વારા આ અંગેની જાણ મૃતકના પરિવારને કરાતા ભાજપના સ્થાનિક નેતાઓ પણ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. હાલ પોલીસ દ્વારા આ મામલે નિવેદનો નોંધવાની કામગીરી કરવામાં આવી રહીં છે. પરંતુ પાર્થ પટેલે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડો હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમયથી પાર્થ પટેલનો તેની પત્ની સાથે ખટરાગ ચાલતો હતો અને તેના કારણે પત્ની તેના પુત્ર સાથે પિયરમાં રહેતી હતી. દોઢ માસ પહેલાં પત્ની પુત્રને લઇને સાસુને મળવા માટે આવી હતી. મોડી રાત્રે સાસુને મળવા માટે પત્ની તેના પુત્રને લઇ આવી હતી. તે સમયે પાર્થ ઘરે હતો. તે સમયે પત્નીને ઘરે કેમ આવી છે? તેમ કહી માર માર્યો હતો. આ દરમિયાન માતા છોડાવવા પડતાં પાર્થે માતાને પણ હડધૂત કરી નાંખી હતી. આ મામલો ઉગ્ર બનતા પત્ની પુત્રને લઇને માંજલપુર પોલીસ મથકમાં પાર્થ સામે ફરિયાદ કરવા માટે પહોંચી હતી. જોકે, આ બનાવની જાણ સ્થાનિક કાઉન્સિલર મિત્રોને થતાં તેઓ પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને પ્રમુખ પાર્થ પટેલ તથા તેની પત્નીને સમજાવી બંને વચ્ચે સમાધાન કરાવી મામલો થાડે પાડ્યો હતો. આ ઘટના પછી પણ પાર્થ અને તેની પત્ની વચ્ચે ખટરાગ ચાલુ હતો.