- 30 માર્ચના રોજ છાણી શાકમાર્કેટ પાસે બે અજાણ્યા શખસોએ વૃદ્ધ મહિલાને રોકી મારે સુરત જવું છે તેમ જણાવી વાતોમાં ભોળવી સોનાની ચેઇન તોડી લીધી હતી
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સિનિયર સિટીઝન મહિલાને શિકાર બનાવી સોનાની ચેઇન તફડાવી ફરાર થઇ જનાર શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો. આ મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી એક શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં દિન-પ્રતિદિન ચોરી, લૂંટ અને ઘરફોડના બનાવો અંગે ફરિયાદો નોંધાઇ રહી છે. ત્યારે છાણી પોલીસ મથકમાં ગત 30 માર્ચના રોજ બે અજાણ્યા શખસોએ ફરીયાદી બેનને છાણી શાકમાર્કેટમાં રોકી મારે સુરત જવુ છે તેમ જણાવી વાતોમાં ભોળવી હતી. અને નજીકમાં આવેલ સરકારી સ્કૂલ પાસે લઇ જઈ મહિલાએ ગળામાં પહેરેલ સોનાની ચેઇન જેની આંચકી લઇ ફરાર થઇ જતા આખરે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે શહેર ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલ ઇસમોને શોધી કાઢવા તપાસ શરૂ હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માંડવીના સોની બજારમાંથી પ્રકાશ ડાભીને શોધી કાઢી દબોચ્યો હતો. તેની ઝડતી દરમ્યાન એક સોનાની ચેઇન મળી આવતા તે બાબતે પૂછતાં તેની પાસેથી કોઈ આધારભૂત પુરાવા મળ્યા ન હતા. તેની પૂછપરછ દરમ્યાન પોતે બીજા બે સાગરીતો સાથે અમદાવાદ ખાતેથી ચેઇન સ્નેચીંગ કરવાના ઇરાદે મોટર સાયકલ ઉપર વડોદરા આવ્યો હોવાનું અને છાણી ગામના શાક માર્કેટમાં એક વૃધ્ધ મહિલાને વાતોમાં ભોળવી સોનાની ચેઇન આંચકી ચોરી કરી ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને તપાસ અર્થે છાણી પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ આરોપી પ્રકાશ ડાભી અગાઉ મહારાષ્ટ્ર રાજ્યના વસઇ તેમજ અમદાવાદ શહેરના સોલા અને અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને વાતોમા ભોળવી કિંમતી દાગીના કાઢી લેવાના 3 ગુનાઓમાં પકડાયેલ હોવાની હકીકત કરી હતી.