- પાલીકાના વાહનોમાં તોડફોડ કરી, ગાડી અને કર્મચારીઓ પર પથ્થરમારો કરતાં ઢોર પાર્ટીના 3 કર્મચારીઓ ઇજાગ્રસ્ત, સમા પોલીસ સ્ટેશનમાં 4 શખ્સ સામે ફરિયાદ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રે રખડતા ઢોર પકડવા નીકળેલી પાલિકાની ઢોર પાર્ટી પર ગાયના માલિક સહિત તેના મિત્રોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં ઢોર પાર્ટીના 3 કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં 4 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. સમા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા પાલિકાના દબાણ અને સિક્યોરિટી વિભાગની ઢોર ડબ્બા પાર્ટીના ઇન્સપેક્ટર સિમોન કરશનભાઇ ખ્રિરતી (ઉં.48)એ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે તા. 25મીના રોજ રાત્રે 9 વાગ્યાથી તા. 26મીના રોજ સવારે 5 વાગ્યા દરમિયાન મારી નોકરી હતી. આ સમયે ઢોર પાર્ટીના સુપરવાઇઝર, આશિકભાઇ, સુપરવાઇઝર ઇશ્વરરાવ જાનકી રામૈયા પણ મારી સાથે હતા. આ ઉપરાંત 5 સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ વિભાગના એ.એસ.આઇ, ગોવિંદભાઇ પણ સાથે હતા.
ગતરાત્રિના સમયે વડોદરા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં નીકળ્યા હતા અને ફરતા-ફરતા રાત્રના 10.45 વાગ્યે સમા પોલીસ સ્ટેશન વિસ્તારના સુહાસ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા. આ સમયે એક ગાય રોડ ઉપર રખડતી હતી. જેથી ઢોર પાર્ટીના માણસો ગાયને પકડી લીધી હતી. તે વખતે ત્યાં હાજર ગાયના માલિક રોહિત રણછોડભાઈ ભરવાડ અમારી પાસે આવ્યો હતો અને એકદમ ઉશકેરાઇ ગયો હતો.
રોહિત ભરવાડ મારી અને મારી સાથેના સ્ટાફ, પોલીસકર્મીઓ સાથે ઝગડો કરવા લાગ્યો હતો. કહેવા લાગ્યો હતો કે, જાણ કર્યા વગર કેમ ગાયો પકડવા આવો છો? તેમ કહી ઝપાઝપી અને બોલાચાલી કરી બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ઢોર પકડવાની સરકારી કામગીરીમાં અડચણ કરીને તેની ગાય છોડાવી ગયો હતો. તેના ઓળખીતા મિત્રો વિપુલ રાઠવા, ભાવેશ કરમશીભાઈ, લાલો બોળીયા અને બીજા ચાર પાંચ પશુપાલકોને બોલાવતા તેઓ પણ આવી ગયા હતાં. તેઓ તમામ પણ મારી અને અમારા સ્ટાફ ઝઘડો કરી ઝપાઝપી કરીને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. આ દરમિયાન આ રોહિત ભરવાડના મિત્ર નામે વિપુલ રાઠવાએ રસ્તા પરથી એક પથ્થર ઉઠાવીને અમારી સરકારી ગાડી ઉપર ફેંક્યો હતો. જેથી ગાડીનો આગળનો કાચ તૂટી ગયો હતો. અન્ય શખસે અમારા સ્ટાફ ઉપર પથ્થર ફેંકતા અમારા સ્ટાફના કર્મઓમાંથી રૂપેશ જીતેન્દ્રભાઇ ખેડકાર, આશિકભાઈ શેખ અને માનવ ગણેશભાઇ લોખંડે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે મેં રોહિત ભરવાડ, વિપુલ રાઠવા, ભાવેશ કરમશીભાઇ અને લાલો બોળીયા સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ લોકો સામે કડક કાર્યવાહી કરો ઢોર પાર્ટીના સુપરવાઇઝર સિમોનભાઇ ખ્રિસ્તીએ જણાવ્યું હતું કે, અમે સમા વિસ્તારમાં ગાયો પકડવા નીકળ્યા હતા. અમે એક ગાય પકડી હતી તો એક માલધારીએ ગાય છોડાવી લીધી હતી અને અમારી પથ્થરમારો અને લાકડીઓથી હુમલો કર્યો હતો. અમારી માંગણી છે કે, આ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં પણ આ પ્રકારે પાલિકાની ઢોર પાર્ટી પર હુમલા કરીને ગાયો છોડાવી જવાની ઘટનાઓ વારંવાર બની ચૂકી છે, તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. પોલીસની હાજરીમાં જ હુમલો કરીને પશુપાલકો ગાયો છોડાવી જાય છે, ત્યારે ઢોર પાર્ટીના કર્મચારીઓ તેમની સુરક્ષા અંગે પણ સવાલો કરી રહ્યા છે.