- ટ્રેનમાં અજાણ્યા યુવકે માઝામાં કેફી પદાર્થ પીવડાવી રાજસ્થાનના દેવીસિંહને બેભાન કરી પહેરેલા સોના-ચાંદીના દાગીના સહિત રોકડા મળી 4.48 લાખની મત્તાની ચોરી કરી હતી
- વડોદરા રેલવે પોલીસે રાજસ્થાન પાલીના ગોવિંદરામ વિરમરામ સીરવીની ધરપકડ કરી હતી
વિજયવાડા રેલવે સ્ટેશનથી ચેન્નાઈ-જોધપુર એક્ષપ્રેસ ટ્રેનમાં પાલી મારવાડ જતા યુવકને એક અજાણ્યા શખસે આવી દીકરીનો જન્મ થયો છે તેમ જણાવી માઝામાં કેફી પદાર્થ પીવડાવી દીધું હતું. યુવક બેભાન થઈ જતા શખસે તેના સોના-ચાંદીના દાગીના, સહિત રોકડા રૂપિયા મળી કુલ રૂ.4.48 લાખની મત્તાની ચોરી કરી હતી. આ મામલે વડોદરા રેલવે પોલીસે ગુના નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
રાજસ્થાન પાલી ખાતે રહેતા દેવીસિંહ મનોહરસિંહ રાજપુત આંધ્રપ્રદેશ ખાતે નોકરી કરે છે. વર્ષ 2021માં દેવીસિંહ વિજયવાડા રેલ્વે સ્ટેશનથી ચેન્નાઈ-જોધપુર એક્ષપ્રેસ ટ્રેનના કોચ નં-3 બેસી પાલી મારવાડ જતા હતા. આ દરમિયાન એક અજાણ્યો યુવક તેમની પાસે આવ્યો હતો. આ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન આવતા તે યુવક આસપાસ બેસેલા તમામ લોકોને માઝા જ્યુસ પીવડાવતો હતો. આ વખતે તે યુવક દેવીસિંહ પાસે આવ્યો હતો કે, અને કહેવા લાગ્યો હતો કે, મારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને બધાને ઠંડુ પીવડાવું છું. જોકે, ત્યારબાદ દેવીસિંહે પણ જ્યુસ પીધું હતું. થોડીવારમાં દેવીસિંહને વોમિટ થતા તે બાથરૂમમાં ગયો હતો અને ત્યારબાદ પરત પોતાની સીટે આવી સૂઈ ગયો હતો.
મારવાડ સ્ટેશન આવતા દેવીસિંહ અર્ધ બેભાન હાલાતમાં નીચે ઉતર્યા હતા. જોકે ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, તેમના સામાનની ચોરી થઈ ગઈ છે. તે અજાણ્યા યુવકે માઝામાં કેફી પદાર્થ પીવડાવી દેવીસિંહને બેભાન કરી તેમના પહેરેલા સોના-ચાંદીના દાગીના સહિત હેન્ડ બેગમાંથી રોકડા રૂપિયા મળી કુલ રૂ.4.48 લાખની મત્તાની ચોરી કરી હતી. આ મામલે વડોદરા રેલવે પોલીસે ગુનો નોંધીને પોલીસે રાજસ્થાન પાલીના ગોવિંદરામ વિરમરામ સીરવીની ધરપકડ કરીને વડોદરા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કોર્ટે ગોવિંદરામને ગુના બાબતે દોષિત ઠેરવીને 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.