- સોમેશ્વર, વ્રજલીલા અને પુષ્પક બંગ્લોઝમાં પીવાનું પાણી ઓછા પ્રેશર સાથે દુષિત આવતું હતું
- કાઉન્સિલરને ફોલ્ટ મળી જાય છે પરંતુ મસમોટા પગાર લેતા અધિકારીઓને છ-છ મહિના સુધી ફોલ્ટ મળતા નથી
વડોદરા શહેરને પીવાના શુદ્ધ પાણી પૂરું પાડવાના શાસકોના દાવાની પોલ અણઆવડત ધરાવતું વહીવટી તંત્ર છાશવારે ખોલી નાંખે છે. કાઉન્સિલરો ફોલ્ટ શોધી કાઢે છે પરંતુ અધિકારીઓને આવા ફોલ્ટ મળતા નથી.
વડોદરા મહાનગર પાલિકાના વહીવટી તંત્ર ની આવડત એવી છે કે પીવાનું પાણી દુષિત કેમ આવે છે એ શોધતા આવડતુ નથી. છ-છ મહિના સુધી અધિકારીઓ સમસ્યાનું કારણ શોધતા રહે છે પરંતુ કહેવાતા સ્માર્ટ અધિકારીઓને સફળતા મળતી નથી. થોડા દિવસ અગાઉ પૂર્વ વિસ્તારના કાઉન્સિલર આશિષ જોશીએ ઉકાજીના વાડિયા સહિત અન્ય સોસાયટીઓમાં છ મહિનાથી ઓછા પ્રેસરથી અને દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો હતો. આવી જ રીતે પૂર્વ વિસ્તારમાં વ્રજલીલા અને સોમેશ્વર સોસાયટી તથા પુષ્પક બંગલો સહિતની અન્ય સોસાયટીઓમાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી પીવાનું પાણી ઓછા પ્રેસરથી આવતું હતું અને એ પણ દુષિત. પાલિકાના કહેવાતા સ્માર્ટ અધિકારીઓને આ સમસ્યાનો હલ મળતો ણ હતો. આ દરમ્યાન સ્થાનિક કાઉન્સિલર આશિષ જોશી પ્રજાના પ્રશ્નો માટે ફરી એકવાર મેદાનમાં ઉતર્યા હતા. તેમણે સ્થાનિક લોકોને સાથે રાખી તપાસ કરતા હરિયાલિ હોટેલ પાસે વરસાદી કાસ માંથી પસાર થતી પીવાના પાણીની લાઈન લીકેજ હોવાનું શોધી કાઢ્યું હતું.
- આ અગાઉ આશિષ જોશીએ ઉકાજીના વાડિયામાં આવો જ ફોલ્ટ શોધી કાઢ્યો હતો
આશિષ જોશીએ તો ફોલ્ટ શોધી કાઢ્યો, પરંતુ અધિકારીઓને ફોલ્ટ કેમ ના મળ્યો ? શું અધિકારીઓને પાણી ની લાઈન ક્યાંથી પસાર થાય છે એની ગતાગમ નથી ? વરસાદી કાસમાંથી પીવાના પાણીની લાઈન નાખવાનું કોને સૂઝયું ? જે શહેરમાં પીવાના પાણી ની સમસ્યાનો ઉકેલ આવતા છ-છ મહિના લાગે તો આવા શહેરને સ્માર્ટ સીટી કેવી રીતે કહેવું ? આવા અનેક સવાલો પાલિકાના વહીવટી તંત્રની અણઆવડતની ચાડી ખાય છે.