- મિલન સમારંભ નું બજેટ માત્ર રૂ. ૩૫૦૦૦ છે તો ખર્ચ સાડા ત્રણ લાખ કરતાં વધુ કેમ..?
વડોદરા મહાનગર પાલિકા દ્વારા પદાધિકારીઓ માટે આયોજિત મિલન સમારંભ નો અંદાજિત ખર્ચ રૂપિયા સાડા ત્રણ લાખથી વધુ થયો છે.
- ધારાસભ્યો પોતાના ખર્ચે સ્નેહ મિલન સમારંભ યોજે છે, કાઉન્સિલરો પ્રજાના પૈસે તાગડધિન્ના કેમ કરે છે..?
વડોદરા મહાનગર પાલિકા ના શાશકો તેમને મળતા લાભ અને ફાયદા ઉઠાવવા હમેશા તત્પર રહે છે. પાલિકામાં દર વર્ષે પદાધિકારીઓ અને કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો માટે સ્નેહ મિલન સમારંભ યોજાય છે. આ આયોજન નૂતન વર્ષ નિમત્તે યોજાય છે. ચાલુ વર્ષે કમાટીબાગ ખાતે ૧૪ નવેમ્બરના રોજ મિલન સમારંભ યોજાયો હતો. આ મિલન સમારંભમાં એક લગ્નના આયોજનની જેમ ફરાસખાનાનું ડેકોરેશન, ફોટો ગ્રાફિ,વીડિયો ગ્રાફી અને એ પણ HD, બેકડ્રોપ અને સ્વાદિષ્ટ વ્યંજન સાથેનું મોંધું દાટ ભોજન સામેલ હોય છે. આ તમામ ટાયફાનો ખર્ચ અંદાજે રૂપિયા સાડા ત્રણ લાખ થી વધુ થયો છે. આ તમામ ખર્ચ બજાર ભાવે કરવામાં આવ્યો છે.
- વૈભવી કાર અને બંગલાના માલિક એવા કરોડપતિ કાઉન્સિલરો પણ પ્રજાના પૈસે યોજાયેલા મિલન સમારંભમાં જોડાયા..!
તમને જાણીને નવાઈ લાગશે પાલિકા દ્વારા મિલન સમારંભ માટે ફાળવવામાં આવે છે માત્ર રૂ.૩૫૦૦૦/-. બાકીનો ખર્ચ અન્ય ફંડમાંથી કરવામાં આવે છે. મેઇલ વડોદરાને મળેલી આધારભૂત માહિતી મુજબ કાઉન્સિલરો માટે આયોજિત મિલન સમારંભમાં જમવાની એક થાળીનો ખર્ચ રૂપિયા ૫૦૦/- કરતા વધુનો છે. આ મિલન સમારંભમાં બન્ને પક્ષના મોટા ભાગના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. અહી મહત્વનું એ છે કે ધારાસભ્યો પણ સ્નેહ મિલન સમારંભ યોજે છે. જો કે ધારાસભ્યો આ આયોજનનો ખર્ચ પોતે ઉઠાવે છે. આથી વિશેષ મોટા ભાગના કાઉન્સિલરો ધનાઢ્ય છે અને તેમના માટે ૫૦૦ રૂપિયાની થાળીની કિંમત નહિ બરાબર છે. હવે અહીં સવાલ એ છે કે કાઉન્સિલરો આવા ટાયફા પોતાના ખર્ચે કેમ નથી કરતાં ? પ્રજાના પૈસે તાગડધિન્ના કરી સેવા કરવાનો ઉદેશ્ય કેવી રીતે સિદ્ધ થાય ? ધારાસભ્ય પોતાના ખર્ચે સ્નેહ મિલન સમારંભ યોજી શકે તો કાઉન્સિલર કેમ નહિ ? કાઉન્સિલરો એ નૈતિકતા દાખવી આવા કાર્યક્રમો સ્વખર્ચે ના કરવા જોઈએ ? બજેટ ૩૫૦૦૦ હજાર રૂપિયાનું હોય તો એ જ મર્યાદામાં ખર્ચ ના કરવો જોઈએ ? પ્રજાના પૈસે તાગડધિન્ના કરવા હરખપદુડા થતા શહેરીબાવાઓના આવા આયોજનો પ્રજાની સેવાના દાવા સામે અનેક સવાલો ઉભા કરે છે.