- આરોપીએ કૌટુંબિક દ્વેષ હોવાથી પિસ્ટોલ ખરીદી હતી, હથિયાર આપનાર વોન્ટેડ જાહેર
વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી ઈલેક્ટ્રીક ST બસમાં બેઠેલા એક યુવક પાસેથી પરવાના વગરની પિસ્તોલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ શખસ અમદાવાદના કૃષ્ણનગર ST ડેપોમાં ચાર્જિંગ ઓપરેટર તરીકે નોકરી કરે છે અને તેને કૌટુંબિક દ્વેષ હોવાથી આ પિસ્ટોલ ખરીદી હતી. જોકે, ફતેગંજ પોલીસે આરોપીને ઝડપી પાડતા એક ક્રાઈમ થતો અટકી ગયો છે. પોલીસે આરોપી વિશ્વજીતસિંહ પરમારની ધરપકડ કરી છે અને પિસ્ટોલ આપનાર દિલીપ રાઠવાની શોધખોળ શરૂ કરી છે.
ગઈકાલે 8 નવેમ્બરના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનના ASI નિલેશ રમણભાઈને બાતમી મળી હતી કે, વડોદરાથી અમદાવાદ તરફ જતી સરકારી ઇલેક્ટ્રીક બસમાં બેઠેલ પેસેન્જર કાળા કલરની સ્કૂલ બેગમાં પિસ્તોલ જેવું હથિયાર સાથે લઇને અમદાવાદ તરફ જવા માટે નીકળ્યો છે. થોડીવારમાં બસ પંડ્યા બ્રિજ પાસેથી પસાર થનાર છે. આ બાતમીના આધારે ફતેગંજ પોલીસની ટીમ પંડયા બ્રિજ પોલિટેક્નીક ગેટ પાસે છુટા-છવાયા ઉભા રહ્યા હતાં. સાંજે 4 વાગ્યે કેસરી કલરની ઇલેક્ટ્રીક બસ પંડ્યા બ્રીજ તરફથી આવતી જણાઈ હતી, જેથી તે બસને પોલીસે પોલિટેક્નીક ગેટની બાજુમાં ઉભી રખાવી હતી.
પોલીસે બસમાં જોઇને ખાત્રી કરતા તપાસ કરતા બાતમી વિશ્વજીતસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ અજીતસિંહ પરમાર (ઉં.વ. 29), (રહે.યમુનાનગર સોસાયટી, સાનીલ સ્કૂલની બાજુમાં, નવા નરોડા, અમદાવાદ, મુળ રહે. પરમાર ફળીયુ ગામ- ગાંગડ તા. બાવળા જિ.અમદાવાદ) મળી આવ્યો હતો. તેની કાળા કલરની સ્કૂલબેગ તપાસતા તેમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી અને તેને લોડ અનલોડ કરતા ખાલી હોવાનુ જણાયું હતું. તેની પાસે 10000 રૂપિયાની કિંમતની પિસ્તોલ રાખવા બાબતનો કોઇ પરવાનો નહીં હોવાનુ જણાવ્યું હતું. ઇલેક્ટ્રીક બસનો ડ્રાઇવર દિલીપ રાઠવા મકરપુરાથી કેવડીયા તથા મકરપુરાથી અમદાવાદ તરફની ST બસ ચલાવે છે, તેણે 35 હજાર રૂપિયામાં પિસ્તોલ વિશ્વજીતસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ પરમારને વેચી હતી. વિશ્વજીતસિંહ પરમાર અમદાવાદના કૃષ્ણનગર ડેપોમાં ચાર્જિંગ ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. પોલીસે આરોપી વિશ્વજીતસિંહ પરમારની ધરપકડ કરી છે અને દિલીપ રાઠવાની શોધખોળ શરૂ કરી છે.