- પત્ની અને પ્રેમી સહિત 5ની ધરપકડ, પોલીસે હત્યા કરનાર ઝડપાયેલા હત્યારાઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
સાવલી તાલુકાના ખાખરિયા ગામની સીમમાંથી પસાર થતી દિલ્હી-બોમ્બે રેલવે ટ્રેક પર છ દિવસ અગાઉ હાલોલના જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા જતીન દરજીની ત્રણ ટુકડા થઈ ગયેલી લાશ મળી આવી હતી. આ બનાવના પગલે સાવલી પોલીસે અકસ્માત ગુનો રજિસ્ટર કરી તપાસ હાથ ધરી હતી. જાેકે આ દરમિયાન જતીન દરજીની હત્યા થઇ હોવાની વિગતો બહાર આવતા હત્યારાઓને ઝડપી પાડવા સાવલી પોલીસ મથકના પીએસઆઇ રાજેશ વાઘેલા, એલસીબી પીઆઇ કૃણાલ પટેલ અને તેમની ટીમો દ્વારા તપાસનો ઘમઘમાટ શરૂ કરાયો હતો. પોલીસ તપાસમાં જતીનની હત્યા તેની પત્ની બિરલે પ્રેમી ધર્મેશ પટેલ સાથે મળીને કરાવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. તે સાથે પોલીસે જતીનની ગળું દબાવી હત્યા કરનાર અગાઉ ઝડપાયેલા બે હત્યારાઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ઘરી છે.
આ સનસનીખેજ હત્યાના બનાવ અંગેની માહિતી આપતા ડીવાયએસપી બી.એચ. ચાવડાએ જણાવ્યું હતું કે, હાલોલના મંગલમૂર્તિ ડુપ્લેકસમાં રહેતા જતીન દરજી અને બિરલ પટેલે 2009માં પ્રેમલગ્ન કર્યાં હતાં. 16 વર્ષના લગ્નજીવનમાં બે સંતાનો છે. પત્ની બિરલને પોતાની જ સોસાયટીમાં રહેતા પતિના ધંધાકીય બિલ્ડર મિત્ર ધર્મેશકુમાર ઉર્ફે ધમો પ્રવીણભાઇ પટેલ (રહે. 14, મંગલમૂર્તિ ડુપ્લેક્સ, હાલોલ) સાથે આંખ મળી જતાં પ્રેમસંબંધ બંધાયા હતા. બીજી બાજુ પતિ સાથે ઝઘડાઓ થતા હોવાથી બિરલ ત્રાસી ગઇ હતી.
આ દરમિયાન, પતિ જતીનનો કાંટો કાઢવા પત્ની બિરલે પ્રેમી ધર્મેશ પટેલ સાથે મળી પતિ જતીનને મોતને ઘાટ ઉતારવા યોજના બનાવી હતી. અને બનાવેલા પ્લાન મુજબ જતીનની હત્યા કરવા નાગજી ભરવાડને હપ્તા ઉપર આપાયેલી ટ્રકના હપ્તા ન ભરવા અને ટ્રક લઇ લેવાની લાલચ આપી સોપારી આપી હતી. નાગજી ભરવાડે 50 હજારમાં વિજય રામાભાઈ (રહે. ચાપાનેર, તાલુકો સાવલી) અને સંદીપ કનૈયાલાલ બલાઈ (રહે. નેવડિયા વસાહત, તાલુકો કાલોલ)ને આપવાનું નક્કી કરી, રૂપિયા 5-5 હજાર એડવાન્સ પેટે આપી જતીન દરજીની હત્યા કરાવી હતી. આ યોજનાના ભાગરૂપે જતીન દરજીનું મોત અકસ્માતમાં ખપાવવા માટે પહેલાં તેનું ગળું દબાવી હત્યા કરી હતી. તે બાદ તેની લાશ બોમ્બે દિલ્હી રેલવે ટ્રેક ઉપર મૂકી ફરાર થઇ ગયા હતા. રાત્રી દરમિયાન પસાર થયેલી કોઇ ટ્રેન નીચે જતીન દરજીની લાશ ત્રણ ટુકડામાં સાવલી પોલીસને મળી આવ્યા હતા. પોલીસે જે તે સમયે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.
ડી.વાય.એસ.પી. બી.એચ. ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એક કોલ રેકોર્ડિંગ પરથી હત્યા થયાનું બહાર આવ્યું હતું અને મૃતકનાં પત્ની બિરલબેન જતીનકુમાર દરજીની ફરિયાદના આધારે નાગજી મહેરામ ભરવાડ વિરુદ્ધ અને અન્ય વણ ઓળખાયેલી વ્યક્તિ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે વિજય રામાભાઈ (રહે. ચાંપાનેર, તાલુકો સાવલી)ની ધરપકડ કરી હતી. જેની પ્રાથમિક તપાસમાં અન્ય એક સાથીદાર રાંદીપભાઈ કનૈયાલાલ બલાઈ (રહે. નેવડિયા વસાહત, તાલુકો કાલોલ)ની ઘરપકડ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, બનાવના દિવસે નાગજી ભરવાડ મૃતક જતીન દરજીને પોતાની કારમાં લઈને આવ્યો હતો અને દારૂ પીવા માટે ઉપરોક્ત બંને ઈસમોને બોલાવ્યા હતા અને કેનાલ પાસે બેસીને ચારેય ઈસમોએ દારૂ પીધો હતો. ત્યારબાદ ખાખરિયા ગામની સીમમાં આવેલા રેલવે ટ્રેકની બાજુમાં આવેલા ખેતરમાં ગળું દબાવીને જતીન દરજીની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતકના મૃતદેહને રેલવે ટ્રેક પર મૂકીને ફરાર થઈ ગયા હતા. જે મૃતદેહ પરથી ટ્રેન પસાર થતાં ત્રણ ટુકડા થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, જાણવા મળ્યા મુજબ મુખ્ય સૂત્રધાર નાગજી ભરવાડે વિજય નાયક અને સંદીપ બલાઈને પૂર્વ-નિયોજિત રીતે નક્કી કરીને મારી નાખવા માટે 10-10 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. અને તેના પેટે 5-5 હજાર રૂપિયા ચૂકવ્યા પણ હતા. તેમ તપાસ અધિકારી પી.એસ.આઈ. રાજેશ વાઘેલાએ જણાવ્યું હતું. જ્યારે આ બંનેને હત્યા કરવાનું કારણ ખબર નથી. મુખ્ય સૂત્રધાર નાગજી ભરવાડની ધરપકડ પછી હત્યાનું કારણ બહાર આવે તેમ હોઇ પોલીસે નાગજી મહેરામ ભરવાડ (રહે. પ્રતાપપુરા, હાલોલ)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં સનસનીખેજ વિગતો બહાર આવી હતી. આ બનાવમાં મૃતક જતીન દરજીની પત્ની બિરલ દરજી, તેના બિલ્ડર પ્રેમી ધર્મેશ પટેલ, નાગજી ભરવાડ, વિજય રામા અને સંદીપ બલાઇ સહિત 5 સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.