- 17 વર્ષીય સગીરા પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી
- ફાયરના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યો, મોતનું કારણ અકબંધ, પોલીસે વધુ તપાસ શરૂ કરી, સગીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
વડોદરામાં થોડા દિવસ પૂર્વે જવારાઓનું વિસર્જન કરવા જતાં એક યુવકનું ડૂબી જતાં મોત થયું હતું. તેવામાં ગતરાત્રે શહેરના તરસાલી તળાવમાંથી એક સગીર વયની યુવતીની લાશ સ્થાનિક લોકોને નજરે પડતા તેઓએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે ફાયરબ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરમાં એક તરફ વરસાદી માહોલ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી. ત્યારે શહેરના જળાશયો, તળાવો પણ છલોછલ પાણીથી ભરાયા છે. ત્યારે બીજી તરફ શહેરમાં ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી રહી છે. ગતરાત્રે તરસાલી તળાવમાંથી સગીર યુવતીની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. આ 17 વર્ષીય સગીરા શહેરનાં સુભાનપુરા વિસ્તારની રહેવાસી છે અને તે પોતે મંદિરે જવાનું કહી નીકળી હતી. પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન આ દીકરીનો મૃતદેહ તરસાલી તળાવમાંથી મળી આવતા પરિવારજનોને જાણ કરાઈ હતી અને દીકરીના મૃતદેહના સમાચાર સંભાળતાની સાથે જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવને લઈ મકરપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગૂનો દાખલ કરી સગીરાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, તે છેલ્લા સાત-આઠ મહિનાથી દર રવિવારે મંદિરે જતી હતી. ગઈકાલે પણ તે જ રીતે તે ઘરેથી મંદિર જવાનું કહીને નીકળી હતી. તે ધોરણ 12માં અભ્યાસ કરે છે અને થોડી ભણવામાં ટેન્શનમાં રહેતી હતી. મંદિરે જવાનું કહી પરત ના ફરતા અમે શોધખોળ હાથ ધરી હતી. મારે બાર વર્ષનો દીકરો પણ છે.