ડભોઈના પૂડા ગામની સીમમાંથી તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાયેલા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

MailVadodara.com - The-body-of-a-young-man-killed-with-a-sharp-weapon-was-found-on-the-outskirts-of-Pooda-village-in-Dabhoi

- ડભોઈ પોલીસ મથકને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો, યુવકના મૃતદેહનો કબજે લઈ પીએમ અર્થે ખસેડાયો


વડોદરા જિલ્લાના ડભોઈના પૂડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ ડભોઈ પોલીસ મથકને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાદમાં ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમની પણ મદદ લેવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ હત્યા કોણે કરી? શા માટે કરી? સહિતની દિશામાં પોલીસે તપાસ તેજ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


આજરોજ (21 ફેબ્રુઆરી) વડોદરાના ડભોઈના પૂડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપરથી હસમુખ ભુવણભાઈ ચૌહાણ (ઉં.વ.43)ની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના ડભોઇ તાલુકાના અંબાવથી પૂળા જવાના માર્ગ ઉપર ખુલ્લા ખેતરમાં બની હતી. મૃતક યુવક પૂડા ગામનો રહીશ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, આ યુવક સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને ગતરાત્રે પરત ફરતા આ ઘટના બની હોવાની શક્યતા છે. સમગ્ર ઘટનાને લઈ ડભોઈ પોલીસ સહિત ડીવાયએસપી આકાશ પટેલ, ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવમાં યુવકની હત્યા ક્યાં હથિયાર અને શા માટે થઈ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આ યુવકના મૃતદેહનો કબજે લઈ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈ ડભોઇ ડીવાયએસપી આકાશ પટેલ સાથે પીઆઇ કે. જે. ઝાલા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ મામલે પીઆઈએ જણાવ્યું હતું કે, આ હત્યા અંગે તપાસ ચાલી રહી છે. ડોગ સ્ક્વોડ અને એફએસએલ સ્થળ પર કામગીરી કરી રહી છે. આરોપી કોણ છે અને કેમ હત્યા કરી? તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments