- વાઘોડિયા પોલીસે ડિકંપોઝ થઈ ગયેલા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો
વાઘોડિયા તાલુકાના તરસવા ગામના પાંચ દિવસ પહેલા ગુમ થનાર ખેડૂતનો રહસ્યમય સંજોગોમાં ગામના પાસેના પાણી ભરેલા નાળામાંથી રહસ્યમય રીતે મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ રહસ્યમય મોત અંગે તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે, વાઘોડિયા તાલુકાના તરસવા ગામના મંદિરવાળા ફળિયામાં રહેતા ખેડૂત રામકિશન ભાઈલાલભાઈ પરમાર (ઉં.વ. 45)નો તા. 18 સપ્ટેમ્બરના રોજ ગામમાં રહેતા ખેડૂત નારણભાઇ પરમાર સાથે ખેતરમાં પાણીની કોસ બનાવવા તેમજ ટ્રેક્ટરના નાણાં બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ નારણભાઈ પરમારે વાઘોડિયા પોલીસ મથકમાં રામકિશન પરમાર સામે અરજી આપી હતી. ઝઘડા બાદ ખેડૂત રામકિશનને પોતાના વિરુદ્ધ નારણભાઈ પરમારે પોલીસ મથકમાં અરજી આપી હોવાની જાણ થતાં તે દિવસથી ઘરમાં કોઈને જાણ કર્યા વગર નિકળી ગયા હતા. આ અંગે પરિવારના કલ્પેશભાઈ ચંદુભાઈ પરમારે વાઘોડિયા પોલીસ મથકમાં રામકિશન પરમાર ગુમ થયાની જાણ કરતી અરજી આપી હતી. પોલીસે અરજીના અનુસંધાનમાં તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પાંચ દિવસ બાદ રામકિશન પરમારનો મૃતદેહ ગામ પાસેના પાણી ભરેલા નાળામાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. વાઘોડિયા પોલીસે ડિકંપોઝ થઈ ગયેલા મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ રામકિશન પરમારે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણસર મોત નિપજ્યું છે તે બહાર આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.