ડેસરના ઘાટા ગામની 22 વર્ષની યુવતીનો મૃતદેહ કવચ નદીના કિનારેથી શંકાસ્પદ હાલતમાં મળ્યો

દશરથભાઈ જાદવની નાની દીકરી અને પત્ની સાથે ખેતરમાં મજૂરી કામે ગયા હતા

MailVadodara.com - The-body-of-a-22-year-old-girl-from-Ghata-village-in-Desar-was-found-in-a-suspicious-condition-on-the-banks-of-Kavach-river

- મૃતદેહ મામલે પરિવારે હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરાના ડેસર તાલુકાના પાંડુ મેવાસ પાસેના ઘાટા ગામની 22 વર્ષીય યુવતીનો મૃતદેહ પોતાના ઘરની નજીકથી પસાર થતી કવચ નદીના પાણીના થોડા વહેણમાંથી ઊંધો પડેલો મળી આવ્યો હતો. મૃતદેહ મામલે પરિવારજનોએ હત્યા હોવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડેસરના લીંબડી ગામ પંચાયતના પેટાપુરા ઘાટા ગામે રહેતા દશરથભાઈ સનાભાઇ જાદવની નાની દીકરી કાજલબેન જાદવ પોતાની માતા મીનાબેન જાદવ સાથે ચોતરીયા ગામે ખેતરમાં મજૂરી કામે સવારે ગઈ હતી. પરિવારના તમામ સભ્યો અલગ અલગ ગામે ખેડૂતોના ખેતરોમાં મજૂરી કરવા અર્થે ગયા હતા. બપોરે 12 વાગ્યાના અરસામાં ચોતરીયા ખાતે મજૂરી કામ કરી માતા અને દીકરી કાજલ ઘરે આવ્યા હતા. તે વખતે માતા મીનાબેનને દીકરી કાજલે જણાવ્યું કે, તમે આપણી ભેંસોને પાણી પીવડાવો હું નજીકની કવચ નદી કિનારે ઝાડી જાખરાઓમાં કુદરતી હાજતે જઈને આવું છું. એક કલાક જેટલો સમયગાળો પસાર થયો હોવા છતાં પોતાની 22 વર્ષીય અપરિણીત દીકરી ઘરે પરત નહીં આવતા માતા મીનાબેન નદી કિનારે તેની તપાસ કરવા અર્થે નીકળ્યા હતા. નદી કિનારે પહોંચ્યા ત્યારે તેઓએ પોતાની દીકરીને કવચ નદીના પાણીમાં ઊંઘી પડેલી જોઈ ત્યારે તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેને બહાર કાઢી અને બુમાબુમ કરતા તેઓના જેઠ અને દેરાણી સહિત ગ્રામજનોના લોકટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સાથે ખેતરોમાં મજૂરી અર્થે ગયેલા પિતા અને બંને ભાઈઓ પણ દોડી આવ્યા હતા.

આ બનાવ અંગે ડેસર પોલીસ મથકે માતા મીનાબેન જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી દીકરીના મૃતદેહ ઉપર અવનવા નિશાન જેમાં ડાબા ગાલ પાસે આંખની નીચે અને દાઢીના ભાગે છોલાયેલું હતું જ્યારે માથામાં કોઈ ઈજાના નિશાન ન હતા, પરંતુ બે અઢી વર્ષ પહેલા એક યુવક સાથે ભાગી ગઈ હતી, પરિવારની સમજાવટ બાદ ઘરે પરત ફરી હતી તેથી માતા તથા પરિવારે યુવક પર શંકા વ્યક્ત કરી હતી.

આ બનાવ અંગે ડેસર PI વી.એન.ચૌધરી એ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધ્યો છે. આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. આ યુવતીનું મોત પ્રાથમિક રિપોર્ટમાં ડૂબી જવાથી આવ્યું છે છતાં આ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેના રિપોર્ટ બાદ સાચું કારણ જાણવા મળશે.

Share :

Leave a Comments