વડોદરા શહેરના માંજલપુર ગામમાં છેલ્લા 400 વર્ષથી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં માંજલપુર અને આસપાસના વિસ્તારના લોકો એકત્ર થાય છે અને સાથે મળીને હોલિકા દહન કરે છે. આ હોળી વડોદરા શહેરની સૌથી મોટી હોળી છે. જે 35થી 40 ફૂટ ઊંચી હોય છે.
માંજલપુરના અગ્રણી રજનીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, વડોદરા શહેરની સૌથી મોટામાં મોટી હોળી માંજલપુર ગામ ખાતે કરવામાં આવે છે. 35થી 40 ફૂટ ઊંચાઈની આ હોળી છે. 400 વર્ષ કરતાં વધુ સમય પહેલા માંજલપુર ગામની સ્થાપના થઈ હતી. તે સમયથી જ હોળી પર્વની ઉજવણી થાય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં લોકો લાકડા ભેગા કરીને પણ અહીં હોળી કરતા હતા. એ પ્રથા આજે પણ ચાલુ છે. આજે માંજલપુર અને આસપાસના વિસ્તારના લોકો પણ સપોર્ટ કરવા માટે આવે છે. અહીં આવતા ભક્તો પૂજા કરીને જે માનતા રાખે છે, તે માનતા પૂરી થાય છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં હોલિકા દહનના દર્શન માટે આવે છે.