ભ્રષ્ટાચારનો ભોરિંગ પ્રજાની હાલત પડતાં પર પાટુ જેવી કરી રહ્યો છે..!

આભ ફાટ્યું છે ત્યાં થીગડાં કેટલા મારશો..?

MailVadodara.com - The-bhoring-of-corruption-is-making-the-condition-of-the-people-fall-like-a-brick

- સડી ગયેલી સીસ્ટમ સુધારવા પ્રામાણિક અધિકારીઓને ઉંચા પદ પર મુકવા પડે

- એવુ બની શકે ખરું કે કર્મચારી લાંચ લેતો હોય અને અધિકારી અજ્ઞાન હોય?

- સરકારે તાજેતરમાં 3 જેટલા અધિકારીઓને નિવૃત્તિ પહેલા ઘર ભેગા કરી દાખલો બેસાડવાનો  સરાહનીય પ્રયાસ કર્યો છે

સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારનો ભોરિંગ વિકાસના સપના સામે ગ્રહણ બની ગયો છે. જો કે તાજેરતમાં સરકારે જે ઈચ્છા શક્તિ દાખવી છે એ પ્રશંસનીય છે.

       દેશમાં ઉધઈની જેમ ઘર કરી ગયેલા ભ્રષ્ટાચાર નો ભોરિંગ સરકાર માટે વણ ઉકેલ્યો કોયડો બની ગયો છે. ભ્રષ્ટાચાર નાથાવાના પ્રયાસો નથી કરતી એવુ પણ નથી. પરંતુ જ્યાં "આભ ફાટ્યું હોય ત્યાં થીગડાં ક્યાં દેવા ? " એક પણ સરકારી કચેરી એવી નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર ની બુમ નહીં ઉઠતી હોય.. અપવાદ રૂપ એકાદ બે કચેરીને બાદ કરીએ તો "કાગડા બધે કાળા હોય" એવી પરિસ્થિતિ જોવા મળે છે. સરકારે આધુનિકતા અને ઓનલાઈન ના તમામ ગતકડા કર્યા, પરંતુ ભ્રષ્ટાચાર ઘટવાને વધતો ગયો. ભ્રષ્ટાચારના વધતા વ્યાપ સામે સરકારના પ્રયાસો ટૂંકા પડી રહ્યા છે. જો કે છેલ્લા ઘણા સમયથી સરકારની કતિબદ્ધતા અને ઈચ્છા શક્તિ ધીમે ધીમે રંગ લાવી રહી છે.  સરકારે 3 જેટલા ઉચ્ચ અધિકારીઓને તથા તેના સમકક્ષ અધિકારીઓને નિવૃત્તિ પહેલા જ વિદાય આપીને ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને બાબુઓ માટે દાખલો બેસાડવાનો પ્રયાસ જરૂર કર્યો છે. સરકારના આ પ્રયાસને શરૂઆત માત્ર કહેવાય. સરકારે હજી ઘણું કરવાનું બાકી છે. ખેર, ભ્રષ્ટાચાર એક શહેર કે ગામ પૂરતો મર્યાદિત નથી. ભ્રષ્ટાચારનો ભોરિંગ ગામે ગામ છે. વડોદરા એમાંથી બાકાત નથી. શહેરની સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર માટે પ્રજા તો ઠીક ધારાસભ્ય પણ ઉઠાવી ચુક્યા છે. માંજલપુર ના ધારાસભ્ય યોગેશ પટેલે સમયાંતરે સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની બૂમો પાડી છે. યોગેશ પટેલે તો એક કલેકટરને ગોલ્ડ મેન ની ઉપમાં આપી હતી. અન્ય સરકારી કચેરીઓની તુલનામાં કલેકટર હસ્તકની કચેરીઓ માં સૌથી વધુ ભ્રષ્ટાચારની બૂમો ઉઠે છે. મકાન ખરીદનાર દરેક વ્યક્તિએ દસ્તાવેજ સમયે નાણાં આપવા જ પડે છે. ભલે પછી એના તમામ દસ્તાવેજો સાચા હોય..! જમીનોની ફાઈલો પાસ કરાવવા, મંજૂરી લેવા તમામ સરકારી કામો માટે કમને પણ મોટાભાગે લાંચ આપવી પડે છે. એવુ બની શકે કે લાંચ લેવાતી હોય અને ઉચ્ચ અધિકારીઓને ખબર ના હોય ? શક્ય જ નથી. ભ્રષ્ટાચાર ના રંગ મા આખી સીસ્ટમ ડૂબી ગઈ હોય ત્યા પુરાવા પણ કામ લાગતા નથી. લાંચીયા કર્મચારીની તપાસ કોણ કરે ? અન્ય લાંચિયો અધિકારી..! આવુ થાય ત્યારે પરિણામ અપેક્ષિત જ હોય. લાંચ લેવાના ગુન્હામા પકડાયેલા કેટલા આરોપીઓને સજા થઈ..? આ પ્રશ્નનો જવાબમાં જ ભ્રષ્ટાચાર રોકવાની સીસ્ટમ સામે સવાલ કરે છે. ભ્રષ્ટાચાર નાથવા કડક કાયદા અને કડક સજાની જરૂર છે. સરકારના પ્રયાસો ત્યારે જ સફળ થશે જ્યારે મોટા શહેરમાં પ્રામાણિક  અધિકારીઓની નિમણુંક થશે. પાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ અને જિલ્લા પંચાયત પણ ભ્રષ્ટાચારમાંથી  બાકાત નથી. પોલીસ વિભાગમા ભ્રષ્ટાચાર દિવસે અને દિવસે ફુલતો અને ફાલતો જાય છે. મોટા ભાગના પોલીસ કર્માચારીઓ અને અધિકારીઓ ખાખીની આડમાં ગરીબ અને નિર્દોષ લોકોને લૂંટી રહ્યા છે.

     સરકારી વિભાગો મા ચાલતા ભ્રષ્ટાચારને નાથવો અશક્ય નથી. સરકાર ધારે તો ધાર્યું પરિણામ લાવી શકે છે.  પ્રામાણિક અને આવડત ધરાવતા ખાનગી માણસોની મદદ લઈ ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીને પકડી શકે છે. જરૂર છે માત્ર ઈચ્છા શક્તિની...

Share :

Leave a Comments